મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે, અને શરદ પવાર તથા અજીત પવારના જૂથોએ બોલાવેલી બેઠકમાં અનુક્રમે 29 અને 32 ધારાસભ્યો પહોંચ્યા હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે, અને શરદ પવાર તથા અજીત પવારના જૂથોએ બોલાવેલી બેઠકમાં અનુક્રમે 29 અને 32 ધારાસભ્યો પહોંચ્યા હોવાનું કહેવાય છે. એનસીપી કોની…? તેનો નિર્ણય આજે લેવાય શકે છે, પરંતુ બન્ને જૂથોમાં પૂરેપૂરા ધારાસભ્યો પહોંચ્યા નથી, જે ધારાસભ્યો હાજર છે, તેના એફિડેવીટ લેવાઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. હજુ સુધી ચાર ધારાસભ્યો ક્યાં છે અને કોની સાથે છે તે અંગે અટકળો ચાલી રહી છે.
ધારાસભ્યોની નોંધણી કરવામાં આવી રહી છે. તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના સમર્થનમાં કેટલા ધારાસભ્યો છે, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે. અજિત પવાર, છગન ભૂજબળ અને પ્રહ્લાદ પટેલ અહીં પહોંચ્યા છે. બન્ને જુથોએ પોતાની સાથે વધુ ધારાસભ્યો હોવાના દાવા કર્યા છે, પરંતુ હકીકતે બપોરે આ જણાય છે ત્યાં સુધીમાં શરદ જુથમાં 18 અને અજીત જુથમાં 32 ધારાસભ્ય જ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. શરદ પવાર ગ્રુપમાં ચાર સાંસદો પણ પહોંચ્યા હોવાના અહેવાલો છે.
કુલ પ૩ ધારાસભ્યોમાંથી જે જુથમાં સૌથી વધુ ધારાસભ્યો છે એ વાસ્તવિક એનસીપી હોવાના બંધારણીય અધિકારનો દાવો કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ જુથની બેઠકમાં ભાગ લેનારાઓને એફિડેવિટ લાવવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે વ્હિપ પણ જારી કરવામાં આવ્યો છે. દરમિયાન અજિત જુથે તેમની સાથે 42 ધારાસભ્યના સમર્થનની વાત કરી છે, અને ત્યાં પણ રજિસ્ટ્રેશન અથવા એફિડેવિટ જેવી પ્રક્રિયા થઈ રહી હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે, ‘કોઈ પક્ષે હજુ સુધી એવો દાવો કર્યો નથી કે પાર્ટી અલગ થઈ ગઈ છે. અજિત પવાર અને શરદ પવારના જુથો વચ્ચે લાંબી લડાઈ ચાલશે. આગામી ચોમાસું સત્રમાં વિધનસભામાં પક્ષના મુખ્ય દંડક કોણ હશે એ અંગે સ્થિતિ સ્પષ્ટ થાય એવી શક્યતા છે.
છગન ભૂજબળે કહ્યું, ‘નિર્ણય એક દિવસમાં લેવાતા નથી, અમે પાર્ટી માટે જે સારૃ છે તે કર્યું છે. અમે એનસીપીને સત્તામાં લાવીને શરદ પવારને ગુરુદક્ષિણા આપી છે. તેમનો ભત્રીજો ડેપ્યુટી સીએમ બન્યો છે. અમે આ બધું યોજના હેઠળ કર્યું છે. અજીત પવાર 60 વર્ષથી રાજકારણમાં છે તો અમે પણ પ૬ વર્ષથી રાજનીતિ કરી રહ્યા છીએ. અમે આ લડાઈ ચૂંટણી પંચમાં લડીશું.’
શરદ પવારે મંગળવારે વાયબી ચવ્હાણ સેન્ટર એટલે કે એનસીપી કાર્યાલયમાં પાર્ટીની બેઠક પણ યોજી હતી. તેમાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કોની પાસે કેટલા ધારાસભ્યો છે ?
અજીત જૂથનો દાવો છે કે તેની પાસે 40 ધારાસભ્યો છે. તેમના હસ્તાક્ષર સાથેનો પત્ર રાજ્યપાલને આપવામાં આવ્યો છે પરંતુ આ દાવા સામે ઘણાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે, આ સહી અજાણતા લેવામાં આવી છે.
શરદ પવારના સમર્થનમાં રહેલા ધારાસભ્યોએ તેમની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. જેમાં અનિલ દેશમુખ, જીતેન્દ્ર આવ્હાડ, જયંત પાટીલ, રોહિત પવાર, સંદીપ ક્ષીરસાગર, પ્રાજકત પ્રસાદરાવ તાનપુરેનો સમાવેશ થાય છે.
અજીત સાથે શપથ લેનારા ધારાસભ્યો જ હવે દેખાય છે. વિધાન પરિષદના સભ્ય અમોલ મિતકારીએ કહ્યું અજીત જૂથને ત્રણ અપક્ષોનું પણ સમર્થન છે.
ભુતપૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણના જણાવ્યા અનુસાર જો એનસીપીના 53માંથી 37થી વધુ ધારાસભ્યો અજીત સાથે જાય છે તો તેઓ પક્ષપલ્ટા કાયદાથી બચી જશે. જો 36 કરતા ઓછાં હોય તો સસ્પેન્શન નિશ્ચિત છે. સીએમ શિંદે વિરૃદ્ધ ઉદ્ધવ જૂથ ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. એવી માંગ છે કે શિંદેના ધારાસભ્યોની પેન્ડીંગ ગેરલાયકાતની અરજીઓ પર જલદી નિર્ણય કરવામાં આવે.
પક્ષપલ્ટા વિરોધી કાયદામાં બે શરતો છે. જે પાર્ટીનો નેતા છોડી રહ્યો છે તેને અન્ય પાર્ટીમાં ભેળવી દેવો જોઈએ. બે તૃતીયાંશ ધારાસભ્યો સંમત છે. બંને સ્થિતિ અજીતની તરફેણમાં છે. અજિત પવારનો દાવો છે કે તેમને રાજ્ય વિધાનસભાના કુલ ૫૩ એનસીપી ધારાસભ્યોમાંથી 40થી વધુનું સમર્થન છે. પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓને ટાળવા માટે અજીત પાસે 36થી વધુ ધારાસભ્યો હોવા આવશ્યક છે.
COMMENTS