મીડિયા અને સોશિયલ મીડિયામાં રાજ્યના એક સનદી અધિકારીએ રાજ્યના શિક્ષણ વિભાગને લખેલો કોઈ પત્ર ઉહાપોહ મચાવી રહ્યો છે, અને 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે, તો બ
મીડિયા અને સોશિયલ મીડિયામાં રાજ્યના એક સનદી અધિકારીએ રાજ્યના શિક્ષણ વિભાગને લખેલો કોઈ પત્ર ઉહાપોહ મચાવી રહ્યો છે, અને ‘ટોક ઓફ ધ સ્ટેટ’ બન્યો છે, તો બીજી તરફ વિપક્ષે આ મુદ્દો હાથોહાથ લીધો છે, તો તંત્રો ફીફાં ખાંડી રહેલા જણાય છે.
અખબારો, મીડિયા તથા સોશ્યલ મીડિયામાં આ કથિત પત્ર ગઈકાલથી જ વાયરલ થઈ રહ્યો છે, અને આ પત્રમાં ગુજરાતના કંગાળ પ્રાથમિક શિક્ષણની કડવી અને ચિંતાજનક વાસ્તવિક્તા ઉજાગર કરવામાં આવી છે. આ અધિકારીનો ઉદ્દેશ્ય કદાચ રાજ્યના પ્રાથમિક શિક્ષણને સુધારવાનો હશે, પરંતુ સરકાર માટે નીચાજોણું થતા હવે તેના ખુલાસા પણ અજીબોગરીબ જ હશે, તેવું અનુમાન કદાચ પહેલેથી જ સૌને હશે.
રાજ્ય સરકાર એક સંનિષ્ઠ સનદી અધિકારીના પત્રની ઉમદા ભાવનાને ગંભીરતાથી વિચારીને પ્રાથમિક શિક્ષણ સુધારવાના પ્રયાસો કરે તે આવકાર્ય ગણાય, પરંતુ જો અગ્રતાક્રમે આવો પત્ર લખનાર આઈએએસ ઓફિસરની સાથે જ સરકારની પોલ ખોલવા બદલ સરકારી કર્મચારીઓને લગતા કોઈ નિયમો, બીસીએસઆર, જીસીએસઆર કે હોદ્દા અને ગુપ્તતાના નામે કોઈ આચારસંહિતાને ટાંકીને કદમ ઊઠાવે, તો તે કોઈપણ રીતે યોગ્ય નથી. આમ પણ આ અધિકારીએ આ પત્ર સ્વયં મીડિયામાં લીક કર્યો હોય તો પણ તે જનહિતમાં છે, કારણ કે સામાન્ય રીતે આ પ્રકારનો પત્રવ્યવહાર જાહેર થતો હોતો જ નથી, જેથી સેક્રેટરીએટની ફાઈલોમાં જ દબાઈને રહી જતો હોય છે. આ સૂચિત પત્ર ચર્ચાસ્પદ બની જતા હવે સરકાર માટે આ મુદ્દે કાંઈક કાર્યવાહી તો કરવી જ પડશે, જો કે આ પત્રમાં ચોક્કસ વિસ્તારના માત્ર પાંચ-છ ગામોનો જ ચિતાર અપાયો છે, અને કટલીક શાળાઓના શિક્ષણને સંતોષકારક પણ ગણાવાયું છે, તેથી આ અધિકારીનો રિપોર્ટ તટસ્થ છે, તેવું પણ પૂરવાર થાય છે.
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની કંગાળ સ્થિતિ પાછળ ગરીબી અને તેના કારણે કરાવાતી બાળમજૂરી પણ જવાબદાર ગણી શકાય, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે. ટ્રાયબળ વિસ્તારમાં શાળાઓમાં પ્રવેશ મેળવ્યા પછી પણ ગામડાઓ-કસબાઓના ઘણાં (મોટાભાગના) બાળકો તેના પરિવાર સાથે બાળમજૂરીએ જતા હોય, તેની (પ્રેક્ટિકલ થઈને) હાજરી પૂરાઈ જતી હોય, અને ‘મધ્યાહ્ન ભોજન’ થઈ જતું હોય, અને તેના કારણે શિક્ષણ નબળું રહેતું હોઈ શકે, તેવી આશંકાઓ કે અભિપ્રાયો અસ્થાને તો નથી જ, પરંતુ તેના પર ગંભીરતાથી વિચાર કરવાની પણ જરૃર છે. શહેરી વિસ્તારોમાં કોઈ હોટલોમાંથી દર વર્ષે બે-પાંચ બાળમજૂરો શોધી કાઢીને પોતાની પીઠ થાબડતા તંત્રોની વાસ્તવિક્તા પણ બધા જાણે છે. ગ્રામ્ય વિસ્તારોની બાળમજૂરી અને કેટલાક વિસ્તારોમાં નબળા રહેતા પ્રાથમિક શિક્ષણ પાછળ આ પણ એક ગંભીર અને મજબૂત કારણ હોઈ શકે.
આજે તો મીડિયા-સોશિયલ મીડિયામાં ‘ધવલ સાહેબનો ધડાકો’ ‘વિઝનના વળતા પાણી’, ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ અને ‘શાબ્બાશ… સર’ જેવી કોમેન્ટો પણ થઈ રહી છે, ત્યારે સંવેદનશીલ સરકારે આ વરવી વાસ્તવિક્તા ઉજાગર કરનાર અધિકારીને બીરદાવીને સ્થિતિ સુધારવાના સંનિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ, એવી ચર્ચા પણ થઈ રહી છે.
COMMENTS
👍