વક્ફ બોર્ડની જમીનને વેચી વેપલો કરતી ઠગ ટોળકીઓ સામે કાયદાનો કોરડો વિંંઝાયો: લેભાગુ ટોળકીઓ અને ભૂમાફિયાના કરતૂતોને ખૂલ્લા પાડતો વક્ફ ટ્રીબ્યુનલનો આદેશ
વક્ફ બોર્ડની જમીનને વેચી વેપલો કરતી ઠગ ટોળકીઓ સામે કાયદાનો કોરડો વિંંઝાયો: લેભાગુ ટોળકીઓ અને ભૂમાફિયાના કરતૂતોને ખૂલ્લા પાડતો વક્ફ ટ્રીબ્યુનલનો આદેશ
અંકલેશ્વરનાં કાપોદ્રા ગામે વક્ફની જમીનને બારોબાર વેચીને વેપલો કરનારા ટ્રસ્ટીઓ પર કાયદાનો કોરડો વિંઝાયો છે. વક્ફ બોર્ડની ટ્રીબ્યુનલે સીમાચિહ્નરુપ આદેશ જારી કરીને ટ્રસ્ટીને પંદર લાખનો દંડ ફટકાર્યો છે તો સાથો સાથ જમીનના વેચાણ કરારને રદ્દ કરી ટ્રસ્ટીઓને મોટી લપડાક મારી છે.
વિગતો મુજબ અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં કાપોદ્રા મદ્રેસાના નામે વક્ફ બોર્ડમાં બી-556થી રજિસ્ટર્ડ થયેલા ટ્રસ્ટને આશુબાઈએ 1.13 એકર જમીન ભડકોદ્રા દામે વક્ફ કરી હતી. ટ્રસ્ટીઓએ આ જમીન ટ્રસ્ટના નામે કરવાને બદલે બારોબાર વેચી માંરી હતી. ટ્રસ્ટના એક ટ્રસ્ટી નામે ઝૂબેર સઈદ લૂલાત(રહે. કાપોદ્રા)એ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પણ કરી નાંખ્યો હતો.
માહિતી મુજબ આ જમીનના વેચાણ દસ્તાવેજને રદ્દ કરવા માટે ગુજરાત વક્ફ બોર્ડ સમક્ષ કેટલાક સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વક્ફ બોર્ડે ફરિયાદના આધારે વક્ફ અધિનિયમ 33 હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરીને વેચાણ કરેલી જમીન વક્ફની હોવાનું ઠરાવીને વેચાણ કરાર રદ્દ કરવાનો હુકમ કર્યો હતો.
આ ઉપરાંત ઝૂબેર લૂલાતે 13 કરોડમાં વક્ફની જમીનનું વેચાણ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વક્ફ બોર્ડ દ્વારા સૌ પ્રથમ 13 કરોડની રકમ કાર્યવાહી દરમિયાન ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલમાં જમા કરાવવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન રેકર્ડ પરથી સાબિત થયું હતું કે ઝૂબેર લૂલાતે પંદર લાખમાં 25-1-2016ના રોજ વેચાણ દસ્તાવેજ કર્યો હતો.
આ અંગે સુનાવણી દરમિયાન વક્ફ ટ્રીબ્યુનલના અધ્યક્ષ વીએ દરબાર, મેમ્બર પ્રોફેસર રીઝવાન કાદરી અને યુએ પટેલે વક્ફ અપીલ નંબર 4/2017 પ્રમાણે ઝૂબેર લૂલાતને બે સપ્તાહમાં પંર લાખ રુપિયા જમા કરાવવાનો હુકમ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વક્ફ અધિનિયમ 2013માં થયેલા સુધારા મુજબ વક્ફની કોઈ પણ મિલ્કત સીધે સીધી વેચાણ કરી શકાતી નથી. આવી જમીનનાં વિકાસ સહિતના કાર્યો કરતાં પહેલાં વક્ફ બોર્ડની લેખિત પરવાનગી લેવાનું ફરજિયાત છે. આ કેસમાં વક્ફ કરવામાં આવેલી જમીન પીટીઆર અને રેવેન્યુ રેકર્ડ પર ચઢાવ્યા વિના બારોબાર વેચી મારવામાં આવી હતી. વક્ફની જમીન પચાવીને મનસ્વી રીતે વહીવટ કરનારા ટ્રસ્ટીઓની કરતૂતોને ઉધાડા પાડીને બોર્ડે ઉદાહરણરુપ આદેશ આપ્યો છે.
COMMENTS