ગુજરાત રાજ્ય વકફ બોર્ડની તાજેતરમાં મળેલી મીટીંગમાં ગાંધીનગર ખાતે આવેલા બયતુમલ વક્ફ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ અને ગેરવહીટની તપાસ કરવાનો આદેશ કરવામાં
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની તાજેતરમાં મળેલી મીટીંગમાં ગાંધીનગર ખાતે આવેલા બયતુમલ વક્ફ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ અને ગેરવહીટની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોટી રીતે રજૂ કરાયેલા ફેરફાર રિપોર્ટને નામંજુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બયતુલ માલ ટ્રસ્ટની સામે અનેક પ્રકારે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.જેને બોર્ડ માન્ય રાખી ફેરફાર રિપોર્ટને ફગાવી દીધો હતો. વક્ફ બોર્ડના ચેરમેન ડો.મોહસીન લોખંડવાલા અને મુખ્ય વહીવટી અધિકારી એમએચ ખુમાર તથા બોર્ડના સભ્યોએ વહીવટદાર નિમવાના નિર્ણયને મંજુર રાખ્યો હતો. મહત્વની વાત એ છે આ બયતુલમાલ ટ્રસ્ટ વક્ફ બોર્ડની ઓફિસથી એકદમ નજીકમાં કાર્યરત હતું અને દિવા તળે અંધારું હોય તેમ વક્ફ બોર્ડની નજરમાં આ ટ્રસ્ટ નહીં આવ્યું તે અંગે ચર્ચા ચાલી રહી છે.
વિગતો મુજબ અરજદાર મનસુરી મહમદ આસિફ અબ્દુલકાદર દ્વારા 16-5-24નાં રોજ વક્ફ બોર્ડમાં 18 સભ્યોની કમિટી બનાવવા ફેરફાર રજુ કરવામાં આવ્યો હતો. છે. આ અંગે અરજદાર દ્વારા સોગંધનામા સહિત તમામનાં સંમતિપત્ર રજુ કરવામાં આવ્યા હતા
અરજદાર દ્વારા રજુ કરાયેલા ફેરફાર અન્વયે બી-802, અમદાવાદ બયતુલમાલ- ગાંધીનગર (એહલે સુન્નત વલ જમાઅત) ગાંધીનગરના ઓનરરી જનરલ સેક્રેટરી દ્વારા વાંધા આરજી આપવમાં આવી હતી. ટ્રસ્ટનાં ઓનરરી જનરલ સેક્રેટરી ઇમરાન બી. સૈયદ દ્વારા વક્ફ બોર્ડમાં કરાયેલી રજૂઆત મુજબ 5-5–2024ને રવિવારના રોજ સેક્ટર-29 માં આવેલી મદીના મસ્જીદ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટીંગ માટે સંસ્થાના બંધારણ (8) સાધારણ સભા 4.4 મુજબ કોઈ માંગણી કરાઈ ન હતી અને સંસ્થાના પ્રમુખ-સેક્રેટરીની જાણ વિના સંસ્થાની મંજુરી વગર બોલાવવામાં આવી હતી. મીટીંગ કોઇપણ જાતની મંજુરી વગર, છાપામાં જાહેરાત આપ્યા વગર કે મસ્જીદમાં એલાન કરાવ્યા વગર અને કોઇપણ જાતનાં બાકી રહેતા પાંચ વર્ષનાં હિસાબો કર્યા વગર માત્ર 39 જણાની હાજરીમાં જનરલ મીટીંગ કરી, નવી કમિટી બનાવવા ખોટા ઠરાવો કરી, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ફેરફાર રજુ કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના ઓનરરી જનરલ સેક્રેટરી ઇમરાન બી. સૈયદના વાંધાના અનુસંધાનમાં વક્ફ બોર્ડ દ્વારા તમામ પક્ષકારોને 29મી મેનાં રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટનાં ઓનરરી જનરલ સેક્રેટરી ઇમરાન બુરહાનુદ્દીન સૈયદ(રહે ગાંધીનગર) દ્વારા ફેરફાર સામે વાંધા રજુ કર્યા હતા. તેમના વાંધાઓમાં મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી હતી કે રિપોર્ટ રજુ કરવાવાળાઓ દ્વારા જે અસાધારણ સામાન્ય સભા બોલાવી ફેરફાર રિપોર્ટ રજુ કરવાવાળાઓ દ્વારા બાબત તા. 26-4-2024 નો પત્ર બયતુલમ માલને લખેલો છે તે અસ્પષ્ટ છે, અને બંધારણની જોગવાઈ વિરુધ્ધનો છે. પત્રમાં પ્રમુખનાં નામ – સરનામાંનો ઉલ્લેખ કરેલો નથી. આ પત્ર જોતા એવું ફલિત થાય છે કે આ પત્ર સંસ્થાના બંધારણની કલમ –(4)થી સંપૂર્ણ વિરોધાભાસી હોઈ અને બંધારણની કલમ તદ્દન વિપરીત હોઈ જેથી ફેરફાર રિપોર્ટ રદ થવા પાત્ર છે.
ફેરફાર રજુ કરનારાઓ દ્વારા તા. 5-5-2024 નાં રોજ જે અસાધારણ સભા બોલાવી હતી તેની જાણ સંસ્થાના મેમ્બરોને કરવામાં આવી ન હતી કે વર્તમાનપત્રમાં તેની જાહેરાત આપવામાં આવી ન હતી.
ફેરફાર રિપોર્ટ સાથે જે ઠરાવ રજુ કરાયો હતો તે ઠરાવમાં કઈ સંસ્થાનો ઠરાવ છે તે સંસ્થાનું નામ કે સંસ્થાના નોંધણી નંબર કે જિલ્લાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આ ઉપરાંત ટ્રસ્ટમાં ગેરવહીવટ થતો હોવાની રજૂઆત પણ અરજદાર સિરાજખાન એસ. પઠાણ દ્વારા કરવામાં આવી હતી.અરજદાર સિરાજખાન એસ. પઠાણ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ટ્રસ્ટનો ઓડીટ એમ.એ. પુનાસીયા એન્ડ કુ. હિંમતનગર નામની પેઢીએ તા. 20- 4-2016 નાં રોજ જાહેર કર્યો છે. જેના અભ્યાસ કરતા ગંભીર નાણાકીય ગેરરીતિઓ થઈ હોવાનું ધ્યાને આવ્યું છે.આ અંગે સિરાદ ખાને ગાંધીનગરના સેક્ટર-21ના પોલીસ ઇન્સ્પેકટરને ઈ.પી.કો. કલમ 120 બી, 467, 471,406 મુજબ ફરિયાદ પણ કરી હતી. આ સંસ્થાનાં તે સમયનાં ઓનરરી. જનરલ સેક્રેટરી શાહજહાન ખાન હતા જેમની ઉપર પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાથી સંસ્થાને ખુબ મોટી રકમનું નુકશાન થયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત એમ.આર.મનસુરી સહિત અન્ય વાંધેદારોએ પણ બયતુલ માલ ટ્રસ્ટના કારભાર સામે ફરિયાદો કરી હતી.અન્ય એક રજૂઆત મુજબ ટ્રસ્ટમાં 10-5-2018 નાં ઠરાવ 18-5-2018 અને તા. 10-6-2018 આ ત્રણેય ઠરાવોનાં અમલ કરાયો નથી. તમામ ઠરાવો કોમ્પ્યુટરમાં ટાઈપ કરી લગાવવમાં આવેલ છે અને સભ્યોની જાણ પહેલા વકફ એક્ટની જોગવાઈનો ભંગ કરી પોતાનાં મનફાવે તે રીતે ઠરાવબુકમાં ઠરાવો કરવામાં આવેવા છે. આ તમામ ઠરાવોનું આજ દિન સુધી પાલન કરવામાં આવેલા નથી.
ટ્રસ્ટના હોદ્દેદારોને વકફ બોર્ડ દ્વારા કોઈ માન્યતા આપવામાં આવી નથીઅને મોટા પ્રમાણમાં ભંડોળ પડી રહેલો છે તો તેનો સંસ્થા દ્વારા દુરોપયોગ ન થાય તે માટે કોઇપણ પ્રકારની લેવડ દેવડ ન થાય એ માટે વકફ બોર્ડને રજૂઆત કરવામાં આવી હતી.
વિગતો મુજબ વક્ફ બોર્ડે તમામ હકીકત જોતા બી-802, અમદાવાદ બયતુલમાલ ગાંધીનગર વકફ ટ્રસ્ટમાં સુચારુ વહીવટ થાય એ માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની 12મી જૂને મળેલી મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ બી-802-અમદાવાદ-બયતુલમાલ ગાંધીનગરમાં વકફ અધિનિયમ (સુધારો-2013) 1995ની કલમ- 42 હેઠળ રજુ થયેલા ફેરફાર રિપોર્ટને દફતરે કરવા ઠરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટમાં યોગ્ય અને સુચારુ વહીવટ તે માટે એમ. એ. સૈયદ, GAS (નિવૃત) ને 6 માસ માટે વહીવટદાર-કારોબારી અધિકારીની નિમણુક કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.
સૂત્રો મુજબ વહીવટદાર-કારોબારી અધિકારીએ કામગીરી સંભાળ્યા બદલની જાણ અત્રેની કચેરીમાં તાકીદે લેખિતમાં કરવાની રહેશે. સંસ્થાના બંધારણમાં ઉલ્લેખ કરેલ અનુગામી નીમવાની રીત મુજબ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને મુતવલ્લીઓની નિમણુક કરી ફેરફાર રીપોર્ટ બોર્ડમાં રજુ કરવાનો રેહશે.
બી-802, અમદાવાદ બયતુલમાલ ગાંધીનગર વકફ ટ્રસ્ટ સંસ્થામાં ગેરવહીવટ અંગેની ઘણી ફરીયાદો મળી છે, આ તમામ ફરીયાદો અન્વયે વિગતવાર તપાસ કરી અહેવાલ વકફ બોર્ડમાં રજુ કરવાનો રેહશે. ટ્રસ્ટના બેંક ખાતાઓ કારોબારી અધિકારી એમ.એ.સૈયદ દ્વારા ઓપરેટ કરવા હુકમ કરવામાં આવે છે. એમ.એ.સૈયદ .એ વકફ અધિનિયમ 1995 અને વકફ (સુધારા) અધિનિયમ 2013ની કલમ 38 મુજબ કારોબારી અધિકારી તરીકેની ફરજો બજાવવાની રહેશે
બયતુલમાલ ટ્રસ્ટમાં વહીવટદારે ટ્રસ્ટનાં વહીવટ અંગેના હિસાબો તૈયાર કરાવીને અત્રે રજૂ કરવાના રહેશે તથા વહીવટ અંગેની ચકાસણી કરવાની રહેશે.સંસ્થાના પી.ટી.આરમાં જણાવ્યા પ્રમાણે અનુગામી નીમવાની રીતની સમગ્ર પ્રક્રિયાને અનુસરીને ટ્રસ્ટીઓની નિમણુંક કરી અને તે અંગેનો ફેરફાર અત્રે રજુ કરવાનો રહેશે. સંસ્થાની સમગ્ર સ્થાવર જંગમ મિલકતો કેટલી છે? તે અંગે વિસ્તૃતમાં ચકાસણી કરવાની રહેશે.ટ્રસ્ટની મિલકતોની વિસ્તૃતમાં ચકાસણી કરી જેમ કે, દુકાનો,મકાનો,ખુલ્લી જગ્યા અને આ સ્થાવર જંગમ મિલકતો કોના કબજામાં છે તેમજ જે તે સમયે કેટલી જગ્યાઓ, કેટલા રૂપિયામાં કોને કોને ભાડેથી આપેલ છે, તે પૈકી કાયદેસરના ભાડુઆતો કેટલા છે ?
આ ઉપરાંત કારબોરી અધિકારીએ કોઈ ભાડાચિઠ્ઠી કે એીમેન્ટ કરવામાં આવેલ છે કે કેમ? તેમજ કેટલી જગ્યામાં અનધિકૃત દબાણ થયેલ છે તે અંગેનો રીપોર્ટ તાકીદે તૈયાર કરી અત્રે રજુ કરવાનો રહેશે. સંસ્થાની તમામ સ્થાવર મિલકત અંગે વકફ લીઝ રૂલ્સ 2014 અને વકફ લીઝ (સુધારા)રૂલ્સ 2020ની જોગવાઈઓ અનુસરી તે અંગે રીપોર્ટ અત્રે રજુ કરવાનો રહેશે. કારોબારી અધિકારીએ સદર સંસ્થાની સ્થાવર મિલકતમાં થયેલ અનધિકૃત દબાણ અંગે તાકીદે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવાની રહેશે.
સંસ્થાની તમામ સ્થાવર મિલકત વકફ લીઝ રૂલ્સ 2014 અને વકફ લીઝ (સુધારા)રૂલ્સ 2020ની જોગવાઈઓ અનુસરી તે અંગે રીપોર્ટ આપવા જણાવવામાં આવે છે અને સંસ્થાની મિલકતો જે વકફ રજીસ્ટરે નોંધાયેલ નથી તે મિલકતો નિયોમોનુસાર દાખલ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
COMMENTS