લોકસભાની ચૂંટણી તથા કેટલાક રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપને હરાવવા તથા મોદી સરકારને ઘરભેગી કરવાના મનસુબા સાથે વીસ જેટલા વિપક્ષી નેતાઓની બેઠક પટણામાં નીતિશક
લોકસભાની ચૂંટણી તથા કેટલાક રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપને હરાવવા તથા મોદી સરકારને ઘરભેગી કરવાના મનસુબા સાથે વીસ જેટલા વિપક્ષી નેતાઓની બેઠક પટણામાં નીતિશકુમારને ત્યાં યોજાઈ રહી છે.
બિહારના પટણામાં વિપક્ષ એક્તાની પ્રથમ મહત્ત્વની બેઠક મુખ્યમંત્રી નીતિશકુમારના નિવાસસ્થાને શરૃ થઈ ગઈ છે. વિપક્ષની પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સીએમ નીતિશકુમારના નિવાસસ્થાને પહોંચી ગયા છે. બેઠકમાં ભાજપ સામે લડવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બેઠક પહેલા કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે સાથે મળીને ભાજપને હરાવીશું. દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસની ભારત જોડો વિચારધારા છે તો બીજી તરફ ભાજપ-આરએસએસની ‘ભારત તોડો’ વિચારધારા છે.
આ બેઠકમાં જેડીયુ, આરજેડી, આમ આદમી પાર્ટી, ડીએમકે, ટીએમસી, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ(એમએલ), પીડીપી, નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, શિવસેના, એસપી, જેએમએમ અને એનસીપી સામેલ થયા હોવાનું જાણવા મળે છે.
આ બેઠકમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ડી. રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મહેબુબા મુફતી, આ તમામ નેતાઓ ગુરુવારે જ પટણા પહોંચી ગયા હતાં. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના શરદ પવાર અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, સપાના અખિલેશ યાદવ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, જેએમએમના હેમંત સોરેન આજે પહોંચ્યા છે. જેડીયુ નીતિશકુમાર અને આરજેડી તરફથી તેજસ્વી યાદવ બેઠકમાં સામેલ થયા છે.
મહાગઠબંધનના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સામેલ તમામ પક્ષોના નેતાઓને બોલવાનો સમય મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો અને મોદી સરકારને ઘરભેગી કરવાનો છે. તે ઉપરાંત આગામી કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને હરાવવાનો મનસુબો છે. આ માટે વિપક્ષી પાર્ટીઓ નવેસરથી એક થઈ છે. બેઠકમાં ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં મુખ્યત્વે વિપક્ષી એક્તાનું નામ શું હોવું જોઈએ? તેનું નેતૃત્વ કોણ કરશે? અને ચૂંટણીમાં ટિકિટની ફોર્મ્યુલા અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર પણ ચર્ચા થઈ હોઈ શકે છે.
ગઈકાલે પટણા પહોંચ્યા પછી મમતા બેનર્જી સૌથી પહેલા રાબડીના ઘરે પહોંચ્યા હતાં. અહીં તેમણે લાલુ યાદવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતાં, જો કે તેમણે બેઠકમાં એજન્ડાના સવાલ પર કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે સાથે મળીને ચૂંટણી લડીશું.
આ પ્રકારની બેઠક યોજવાનો સૌ પ્રથમ પ્રસ્તાવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યો હતો. આ સામાન્ય સભાની તારીખ નક્કી થયા પછી રાહુલ ગાંધી દેશમાં ન હોવાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. તેમના આગમન પછી સામાન્ય સભાની નવી તારીખ નક્કી કરવામાં આવી હતી.
વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાની ઝુંબેશ નીતિશકુમારે શરૃ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશકમારની પાર્ટી જેડીયુ વિશે વાત કરીએ તો પાર્ટી બિહાર તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં મજબૂત હાજરી નોંધાવી રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો બિહારમાં ૧૬ લોકસભા સીટો પર જેડીયુનો કબજો છે. બિહારમાં પાર્ટીના ૪પ ધારાસભ્યો અને ર૩ એમએલસી છે. લોકસભામાં આરજેડીની હાજરી શૂન્ય છે.
જો કે, બિહારમાં પાર્ટીના ૭૯ વિધાનસભા બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી છે. બિહારમાં જેડીયુ અને આરજેડીની ગઠબંધન સરકાર છે જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. લોકસભામાં કોંગ્રેસના ૪૯ સાંસદો છે. હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની સરકારો છે. કોંગ્રેસ બિહાર તેમજ ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે.
બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સત્તા પર છે. લોકસભામાં ટીએમસીના ર૪ સભ્યો છે. ઝારખંડના શાસક ઝારખંડ મુક્તિ મોરચા પાસે એક સાંસદ છે, જ્યારે સમાજવાદી પાર્ટી પાસે ત્રણ, એનસીપી પાસે પાંચ, શિવસેના યુબીટી છ, દિલ્હી અને પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટી પાસે પણ લોકસભામાં એક સભ્ય છે.
લોકસભામાં સીપીઆઈ-એમએલની હાજરી શૂન્ય છે, જ્યારે સીપીઆઈના બે સભ્યો અને સીપીઆઈ(એમ) ના લોકસભામાં ત્રણ સભ્યો છે. તમિલનાડુમાં શાસક ડીએમકે પાસે લોકસભાની ર૪ બેઠકો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ લોકસભા સીટો પર નેશનલ કોન્ફરન્સનો કબજો છે જ્યારે પીડીપી ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી નથી.
નીતિશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં જે પક્ષો ભાગ લઈ રહ્યા છે તેમની લોકસભામાં સંખ્યા ૧પ૦ સીટોની આસપાસ છે. તેઓ વિવિધ રાજ્યોમાં મજબૂત જન આધાર ધરાવે છે. નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમા તેમની સરકાર છે. લોકસભા કરતા વિધાનસભા ચૂંટણીમાં તેમનો મજબૂત આધાર છે.
COMMENTS