વેરાવળમાં દરિયાકાંઠે ગઈકાલે માછીમારી કરીને પરત ફરી રહેલી એક બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી ગિર સોમનાથ પોલીસે રાખેલી વોચમા
વેરાવળમાં દરિયાકાંઠે ગઈકાલે માછીમારી કરીને પરત ફરી રહેલી એક બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી ગિર સોમનાથ પોલીસે રાખેલી વોચમાં એક બોટમાંથી ૫૦ કિલો હેરોઈન સાથે સાત શખ્સ ઝડપાઈ ગયા છે. તેની ડિલિવરી લેવા આવેલા અન્ય બેની પણ અટકાયત કરાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૃપિયા સાડા ત્રણસો કરોડની કિંમત ધરાવતા ડ્રગ્સના આ જથ્થાને કબજે કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
ગિર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળના દરિયાકાંઠે આવી રહેલી એક બોટમાં હેરોઈનનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમી પરથી ગિર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા તથા તેમની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ગઈરાત્રે એક બોટ શંકાસ્પદ હાલતમાં મળી હતી.
તે બોટને ઘેરી લઈ તલાશી લેવાતા તેમાંથી અંદાજે ૫૦ કિલો હેરોઈન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૃા.૩૫૦ કરોડની કિંમત ધરાવતા હેરોઈન ડ્રગ્સનો આ જથ્થો જુદા જુદા પેકેટમાં સીલ કરવામાં આવેલો હતો. તેને પોલીસે કબજે કર્યાે છે.
માછીમારી માટે દરિયામાં ગયેલી કેટલીક બોટો જ્યારે પરત ફરે ત્યારે તેમાં દુશ્મન દેશ દ્વારા નશીલા પદાર્થ મોકલવામાં આવી રહ્યા હોવાની વિગત પોલીસને મળ્યા પછી ગિર સોમનાથ પોલીસે ગોઠવેલી વોચમાં સાડા ત્રણસો કરોડની કિંમતનું હેરોઈન ઝડપાઈ જવા પામ્યું છે. આ બોટમાં રહેલ સાત ખલાસીની અટકાયત કરી પૂછપરછ આરંભાઈ હતી.
આ શખ્સોની પૂછપરછ દરમિયાન દરિયાકાંઠે મોટરમાં આવેલા બે શખ્સને તેની ડિલિવરી આપવાની છે તેમ જાણવા મળતા પોલીસે સાતેય ખલાસી અને દરિયાકાંઠેથી બે શખ્સની અટકાયત કરી છે. નવેય શખ્સોની ક્રોસ પૂછપરછ હાથ ધરાઈ છે. ઝડપાયેલી બોટમાંથી પોલીસને એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.
અગાઉ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કચ્છની લાઈન ડ્રગ્સ સપ્લાયરો માટે જાણીતી હતી તે પછી ગઈકાલે વેરાવળના દરિયામાંથી ડ્રગ્સ સાથેની બોટ ઝડપાઈ જતાં સપ્લાયરોએ હવે નવી લાઈન શરૃ કરી હોવાની પણ આશંંકા સેવાઈ રહી છે.
ઉપરોક્ત બોટ ઝડપાયા પછી જે પેકેટ પોલીસને મળી આવ્યા હતા. તે પેકેટની ચકાસણી માટે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ લેવામાં આવી હતી. તે પેકેટના પરીક્ષણ પછી તેમાં હેરોઈન હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે ગુજરાત પોલીસે ડ્રગ્સ વિરૃદ્ધના શરૃ કરેલા અભિયાનને વધુ એક સફળતા મળી છે.
બિનઆધારભૂત સૂત્રોના જણાવવામાં આવ્યા મુજબ, જે શખ્સો દરિયાકાંઠે મોટર લઈને હેરોઈનની ડિલિવરી લેવા આવ્યા હતા. તે શખ્સો સંભવિત રીતે રાજકોટ સાથે સંકળાયેલા છે. આવી વિગતો પણ ચકાસવામાં આવી રહી છે અને એલસીબી તથા એસઓજી દ્વારા તપાસ આગળ ધપાવાઈ રહી છે. ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપાઈ ગયાની રાજ્યના ગૃહવિભાગને પણ જાણકારી અપાઈ છે.
COMMENTS