કોસંબા રેલવે સ્ટેશનની બહાર 100થી વધુ દુકાનદારોને નોટિસ ઈશ્યુ કરીને રેલ વિભાગે લોકોના જીવ અધ્ધર કર્યા સંવાદદાતા દ્વારા, સુરત તા.0275 વર્ષથી કોસંબા
કોસંબા રેલવે સ્ટેશનની બહાર 100થી વધુ દુકાનદારોને નોટિસ ઈશ્યુ કરીને રેલ વિભાગે લોકોના જીવ અધ્ધર કર્યા
સંવાદદાતા દ્વારા, સુરત તા.02
75 વર્ષથી કોસંબા રેલવે સ્ટેશન નજીક વ્યાપાર ચલાવી રહેલી પેઢીઓને બેરોજગાર બનાવવાના ઉદ્દેશ સાથે રેલ તંત્રએ કરેલી હરકતની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રેલ વિભાગ તેમજ કોસંબા ગ્રામ પંચાયતને નોટિસ જારી કરવામાં આવી છે.
રેલવે વિભાગ દ્વારા દુકારદારોને નોટિસ પાઠવવામાં આવી હતીકે ઉપરોક્ત જે સ્થળે દુકાનો હયાત છે તે જમીનની માલિકી રેલવે ડિપાર્ટમેન્ટની હોવાથી તેને તાકીદે ખાલી કરીને જમીનનો ખુલ્લો કબજો રેલ તંત્રને સોપી દેવો. રેલવેના નવા અને અજુગતા ફતવાથી ફફડી ઉઠેલા દુકાનદારોએ રેલ તંત્રને કોસંબા ગ્રામ પંચાયતના ઠરાવની નકલ રજુ કરી હતી

જેમાં વર્ષ 1951માં આ જગ્યા પંચાયત દ્વારા ફાળવવામાં આવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પંચાયતમાં કાયદેસરનું ઠરાવ કરીને જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં રેલ તંત્રએ વેપારીઓની વાત કાન ધરી ન હતી. છેવટે રાજેશ ગોમાનભાઈ પટેલે ન્યાયપાલિકાના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં પિટિશનર તરફથી સુરતના યુવા એડવોકેટ ઝમીર શેખ એપિયર થયા હતા. તેમણે વિગતવાર અને તર્કબદ્ધ દલીલો રજૂ કરીને વિદ્વાન ન્યાયમૂર્તિ સમક્ષ હકીકતનો પિટારો ખોલી દીધો હતો. સામાપક્ષે રેલ તંત્ર તરફે પણ દલીલ થઈ હતી. બંને તરફે દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે રેલ મંત્રાલય, રેલ વિભાગ (વડોદરા ડિવિઝન) તેમજ કોસંબા ગ્રામ પંચાયતને નોટિસ ઈશ્યુ કરી છે. અને 12મી ફેબ્રુઆરીએ પ્રત્યુત્તર આપવાનો સમય પાઠવ્યો છે.

ઉલ્લેખનીય છેકે 75 વર્ષથી આ સ્થળે વેપાર ધંધો કરીને રોજગાર ચલાવી રહેલા 100થી વધુ પરિવારની મિલકતો પર રેલતંત્રનો ઓછાયો પડ્યો છે. જેને દૂર કરવા હાઈકોર્ટે છત્રછાયા પુરી પાડી છે. અત્યાર પુરતું તેમનો મામલો ટળી ગયો છે અને ભવિષ્યમાં પણ દુકાનદારોની તરફેણમાં ચુકાદો આવે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
COMMENTS