આત્યમહત્યા માટે કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાને જવાબદાર ગણાવતા ચકચાર.! બિલ્ડરો માટે મોટાભા થઈ ગયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર સામેનો વિરોધ
આત્યમહત્યા માટે કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાને જવાબદાર ગણાવતા ચકચાર.!
બિલ્ડરો માટે મોટાભા થઈ ગયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર સામેનો વિરોધ સતત વધતો જઈ રહ્યો છે. બિલ્ડર લોબીની ગોદમાં બેસીને મલાઈ ઝાપટી રહેલા પાલિકાના અધિકારીની ઢીલી કામગીરીથી વ્યથિત થઈને એક યુવાને મુખ્ય કચેરી સામે જ આત્મ વિલોપનની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. તો બીજી બાજુ પોલીસે એ યુવાનને સમાજાવટના પ્રયત્નો શરૂ કર્યાં છે.
અત્યંત ભગ્ન હ્રદયે લખેલા પત્રમાં ફિરોજ યાસીન શેખ નામના યુવાને કહ્યું છેકે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. આ સંદર્ભે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે સેન્ટ્રલ ઝોન સિમેન્ટના જંગલમાં ફેલાઈ રહ્યું છે. પાર્કિંગ, ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. ગેરકાયદે એપાર્ટમેન્ટમાં પાર્કિંગના ઠેકાણા હોતા નથી જેને કારણે એ એપાર્ટમેન્ટમાં વસનારાઓ જાહેર માર્ગ પર વાહનો પાર્ક કરીને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુસીબત નોતરી રહ્યાં છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ રાખવાના નિયતની ધરાર અવગણના કરતાં લેભાગુ અને લુચ્ચા બિલ્ડરો અડધાથી વધુ પાર્કિંગ પણ ખાઈ જાય છે જેને કારણે બજાર ભાવે ફ્લેટ ખરીદનારને પોતાના મોંઘા અને કિમતી વાહનો જાહેર રસ્તા પર પાર્ક કરવા પડે છે.
આટલેથી ઓછું હોય જ્યાં ચાર માળની મંજુરી મળી હોય ત્યાં છ-છ માળ સુધીના બાંધકામ ઠોકી દેવામાં આવે છે પરંતુ સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. એક માત્ર પૈસો જ મારો પરમેશ્વર વાળા સિદ્ધાંતને અનુસરી રહેલા બિલ્ડરો પર સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાના ચાર હાથ હોવાથી બિલ્ડરો બેફામ બન્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા યુવાને સેન્ટ્રલ ઝોનને ગેરકાયદે બાંધકામમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાણ ત્યજી દેવાનો નિર્ણય લીધો છે અને એ માટે તારીખ, સમય અને સ્થળ પણ નક્કી કરી લીધું છે.
ફિરોઝ શેખે લખેલા પત્રમાં જણાવ્યું છેકે 8મી તારીખે સાંજે પાંચ કલાકે સેન્ટ્રલ ઝોનમાં જ પેટ્રોલ છાંટીને આત્મ વિલોપન કરશે. તેમની શહીદીથી સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર અંકુશ મુકાશે અને અહીંના લોકો સુખ-શાંતિથી જીવી શકશે. આ સાથે જ ફિરોજ શેખે લખ્યું છેકે તેની આત્મહત્યા માટે રાજેશ ગાંજાવાલાને જવાબદાર ઠેરવવા અને તેમની સામે કઠોર કાર્યવાહી કરવી જેનાથી ભવિષ્યમાં પાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતાં પહેલાં ફિરોઝની શહાદતને યાદ કરે અને એવું કૃત્ય કરતાં પહેલાં સો વખત વિચારે.
ફિરોઝના પત્રથી પાલિકા અને પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી છે અને તમામ એજન્સી ફિરોઝને સમજાવવા માટે લાગી પડી છે પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને 8મીએ સાંજે જ સીધા પાલિકાની કચેરી નજીક પ્રકટ થશે ત્યાં સુધી પોલીસ પ્રશાસનનું જીવ પણ અધ્ધર રહેશે. જો ફિરોઝે આત્મહત્યા કરી લીધી તો જન આંદોલન છેડાઈ જશે અને પાલિકાની આબરૂ વિશ્વભરમાં લીલામ થઈ જશે. રાજેશ ગાંજાવાલા સામે ફિરોઝે કરેલા આક્ષેપો ગંભીર છે એટલે પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અંગત રસ લઈને ઈન્ક્વાયરી બેસાડે તો ગાંજાવાલાની કરોડોની બેનામી મિલકતનો ઘટસ્ફોટ થઈ શકે છે એમ તેમની સાથે કામ કરી રહેલા આર્કિટેક્ટનું કહેવું છે.
COMMENTS