લોકસભા ચૂંટણી માટે બેંગલુરૃમાં વિપક્ષો દ્વારા એકજુથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના
લોકસભા ચૂંટણી માટે બેંગલુરૃમાં વિપક્ષો દ્વારા એકજુથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતાં અને આ બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવી હતી. આ સિવાય મોદીએ કહ્યું કે જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટાચાર કરે છે તેઓ બેંગલુરૃમાં દુકાનો ખોલીને બેઠા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોર્ટ બ્લેર એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ સરકારો પર આદિવાસી અને ટાપુ વિસ્તારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. આ સિવાય તેમણે પહેલીવાર દિલ્હીના શરાબ કૌભાંડ અને આમ આદમી પાર્ટી પર પણ ઈશારામાં પ્રહારો કર્યા હતાં. વિપક્ષી એક્તા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ કુળના લોકો એકબીજાના ભ્રષ્ટાચારનો બચાવ કરે છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે દેશની કોઈપણ એજન્સી તેમના પર કાર્યવાહી કરે છે, ત્યારે ટેપ રોકોર્ડર શરૃ થાય છે કે કંઈ થયું નથી. બધું એક ષડ્યંત્ર છે અને અમને ફસાવવામાં આવી રહ્યા છે. તેનો પરિવાર પહેલાથી જ દરેકને ક્લીનચીટ આપે છે. આ લોકો પરિવારવાદના કટ્ટર સમર્થક છે. આ ઉપરાંત બંગાળમાં પંચાયતની ચૂંટણી થઈ અને રક્તપાત થયો, પણ આ લોકો ચૂપ રહ્યા હતાં.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે વર્ષ ર૦૧૮ માં મેં આંદામાનમાં એ જ જગ્યાએ ત્રિરંગો ફરકાવ્યો જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ધ્વજ ફરકાવ્યો હતો. અમારી સરકારે જ નેતાજી સુભાષના નામ પરથી રોસ આઈલેન્ડનું નામ આપ્યું છે. અમારી સરકાર છે જેણે હેવલોક અને નીલ ટાપુને સ્વરાજ અને શહીદ ટાપુ નામ આપ્યું છે.
COMMENTS