દેશના સાત જેટલા રાજ્યોમાં પ્રચંડ મેઘતાંડવ તબાહી મચાવી રહ્યા છે અને ઉત્તર-પશ્ચિમ ભારત સહિત દેશમાં ભૂ-સ્ખલન, મેઘ પ્રકોપ અને ભારે પૂરથી ૩૪ના
દેશના સાત જેટલા રાજ્યોમાં પ્રચંડ મેઘતાંડવ તબાહી મચાવી રહ્યા છે અને ઉત્તર-પશ્ચિમ ભારત સહિત દેશમાં ભૂ-સ્ખલન, મેઘ પ્રકોપ અને ભારે પૂરથી ૩૪ના મૃત્યુ થયા. જે આંકડો વધી રહેલ છે. કેટલાક સ્થળે વાદળો ફાટ્યાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાહત-બચાવ માટે ટીમો દોડી ગઈ છે.
દિલ્હી, પંજાબ અને હિમાચલ સહિત દેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં મેઘતાંડવ કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સાત રાજ્યોમાં ભૂ-સ્ખલન અને પૂરની અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મમોત થયા છે. સૌથી વધારે ખરાબ હાલત હિમાચલ પ્રદેશની છે. ત્યાં કેદારનાથમાં થઈ હતી તેવી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નદીના પાણી સાથે કાદવ પણ બસ સ્ટેન્ડ અને બજારમાં ઘૂસી રહ્યા છે. મોતનો દેશવ્યાપી આંકડો વધી શકે છે.
મનાલીમાં વરસાદનો પર વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હિમાચલના સીએમએ લોકોને આગામી ર૪ કલાક ઘરમાં જ રહેવા જણાવ્યું છે. રાજ્યમાં ઘણી નદીઓ અને નહેરો ખતરાના નિશાનથી ઉપર છે. બે જગ્યાએ વાદળ ફાટ્યું છે. પંજાબમાં સતલજ નદીની આસપાસ આવેલા ૧પ થી ર૦ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. તે જ સમયે લેહ-લદ્દાખમાં ભારે વરસાદને કારણે ૪પ૦ વર્ષ જુનું મકાન ધરાશાયી થયું હતું. હિમાચલમાં ૪૬ મકાનો ધરાશાયી થયા છે. કુલ્લુમાં બિયાસની સાથે પાર્વતી અને તીર્થન નદીઓ પણ વહી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહમાં ૬૦ થી વધુ વાહનો ધોવાઈ ગયા હતાં. કુલ્લુના કસૌલમાં ૬ વાહનો પાણીમાં વહી ગયા છે.
જુલાઈના ૯ દિવસ વરસાદને કારણે દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. ૯ જુલાઈ સુધી સામાન્ય વરસાદ ૯.૪ ઇંચ હતો. હવે આંકડો વટાવીને ૯.પ ઇંચ થઈ ગયો છે, જે ર ટકા વધુ છે. દિલ્હીમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. સામાન્ય કરતા ૧.૯ ઈંચ વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત રપ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં વરસાદનો ૪૧ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગુરૃગ્રામમાં રસ્તાઓ નદી બની ગયા. યમુનામાં જળસ્તર વધવાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે પંજાબ, હિમાચલના મુખ્ય પ્રધાનો અને દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નરો સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી શકય તમામ મદદની ખાતરી આપી હતી. દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ છે.
હિમાચલમાં ર૪ જૂને ચોમાસાનું આગમન થયું ત્યારથી ભારે તબાહી થઈ છે. શનિવારે મોડી રાત્રે મંડી અને કુલ્લુમા વાદળ ફાટવાના કારણે બિયાસ નદીમાં અચાનક પાણી વધી ગયું હતું., જેમાં ત્રણ પુલ, એક એટીએમ એન ચાર દુકાનો ધોવાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબના ઘણા વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે અંબાલાથી ઉના-અંબ-દૌલતપુર ચોક તરફ આવતી વંદે ભારત સહિત અન્ય ટ્રેનોની અવરજવર અટકી પડી હતી. શ્રીખંડ મહાદેવની યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે રાજસ્થાનના હનુમાનગઢમાં છ ઈંચ પાણી વરસી ગયું છે. બીજી તરફ ઝુંઝુનુ અને સીકરમાં પૂર જેવી સ્થિતિ છે.
કુલ્લુ-મનાલીમાં વાદળ ફાટવાને કારણે બિયાસ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે વાહનો ધોવાઈ ગયા હતાં. મનાલી-લેહ, ચંદીગઢ-મનાલી સહિત પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભૂસ્ખલનના કારણે ૭૩૬ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
દિલ્હીમાં યમુના નદીનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. રાત્રે ૯ વાગ્યે જુના રેલવે બ્રિજ પર પાણી ર૦૩.૬ર મીટરની ઊંચાઈએ હતું, જે લાલ નિશાનથી ૧.૭૧ મીટર નીચે હતું. યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હી સરકારે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. દિલ્હીમાં રવિવારે સવારે ૮ વાગ્યા સુધીના ર, કલાકમાં ૧પ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. ૪૧ વર્ષ પહેલા રપ જુલાઈ ૧૯૮ર ના ૧૬૯.૯ મી.મી. વરસાદ પછી આ સૌથી વધુ છે.
પંજાબમાં પટિયાલા, ફાઝિલ્કા, હોશિયારપુર, ફતેહગઢ સાહિબ સહિત વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. પટિયાલામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે અને નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. ચંદીગઢમાં ર૪ કલાકમાં ૩રર મી.મી. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હરિયાણામાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ અને કૈથલ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અંબાલામાં શનિવારથી અત્યાર સુધીમાં ર૭૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
ઉત્તરાખંડમાં આગામી બે દિવસમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનના કાટમાળને કારણે ૧૭પ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગંગોત્રી-યમુનોત્રી હાઈ-વે રાત્રે આઠ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.
ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. સોમવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હાપુડ અને ફરીદાબાદામાં શાળાઓ બંધ રહેશે. લુધિયાણામાં પણ વરસાદને કારણે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બે દિવસ માટે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા રવિવારે ત્રીજા દિવસે પહેલગામ અને બાલટાલ બન્ને માર્ગોથી સ્થાપિત કરવામાં આવી હતી. રવિવારે ગુફા મંદિરની આસપાસ આકાશ સ્વચ્છ થયા પછી ભક્તોને બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધવાની મંજુરી આપવામાં આવી હતી.
ભારે વરસાદને કારણે ડોડામાં ભૂસ્ખલન થતા બસના ડ્રાઈવર અને કંડકટરના મોત થયા હતાં. ઉધમપુરમાં તાવી અને દક્ષિણ કાશ્મીર-શ્રીનગરમાં ઝેલમ નદી ખતરાના નિશાનથી ઉપર છે. હવામાન વિભાગે કઠુઆ, સાંબા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને નદી-નાળાની નજીક ન જવાની સલાહ આપી છે.
મોહાલીમાં લોકોને બહાર કાઢવા માટે બોટ બોલાવવી પડી. મોહાલીના જીરકપુરમાં આવેલી ગુલમોહર હાઉસીંગ સોસાયટીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. કાર ડૂબી ગઈ હતી. પહેલા માળ સુધી પાણી ભરાવાના કારણે લોકોને બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો.
લુધિયાણાના ખન્નામાં સતલુજના કિનારે ફસાયેલા પ૦ લોકોને બચાવી લેવાયા છે. રોપર-નાંગલ રેલ ટ્રેક ઉખડી ગયો છે. ભટિંડામાં પણ એનડીઆરએફ તૈનાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વીજળી પડવા, પાણીમાં ડૂબવા અને ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના આશ્રિતોને ૪ લાખ રૃપિયાની સહાયનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ કુદરતી આફતોમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.
COMMENTS