ગુજરાત રાજ્યનો સૌથી સમૃદ્ધ જિલ્લો રાજકોટ હોવાનું નીતિ આયોગના એક રિપોર્ટમાં જણાવાયું છે. પેંડા, રસગોલા, ગાંઠિયા, ચા, સોનાના ઘરેણાં, ઇમિટેશનના ઘરેણાં,
ગુજરાત રાજ્યનો સૌથી સમૃદ્ધ જિલ્લો રાજકોટ હોવાનું નીતિ આયોગના એક રિપોર્ટમાં જણાવાયું છે. પેંડા, રસગોલા, ગાંઠિયા, ચા, સોનાના ઘરેણાં, ઇમિટેશનના ઘરેણાં, બાંધણી, અલગ અલગ મશીન બનાવવાના કારખાના, જીઆઇડીસીના ઉદ્યોગ સાહસિકો આદિ માટે પ્રખ્યાત રાજકોટના માથે હવે સૌથી સમૃદ્ધ જિલ્લાનો મુગટ મૂકાયો છે. તાજેતરમાં જ નીતિ આયોગે નેશનલ મલ્ટીડાઇમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કર્યો છે.
આ રિપોર્ટ ગરીબીમાંથી બહાર નીકળવું, પોષણયુક્ત આહાર, શિક્ષા, આરોગ્ય, જીવનની ગુણવત્તા અને જીવનધોરણ સહિતના મુદ્દાઓના આધારે તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે નક્કી થાય છે કે ક્યાં રાજ્યનો ક્યો જિલ્લો સમૃદ્ધ છે. ત્યારે ગુજરાત રાજ્યના સમૃદ્ધ જિલ્લાઓના લિસ્ટમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે આવે છે એટલે કહી શકાય કે રાજકોટ જિલ્લો ગુજરાતનો સૌથી સમૃદ્ધ જિલ્લો છે.
આજી અને ન્યારી નદીના કિનારે વસેલુ શહેર રાજકોટ એક સમયે સૌરાષ્ટ્રની રાજધાની હતું. રાજકોટની સ્થાપના વર્ષ 1610માં ઠાકોરજી વિભાજીએ કરી હતી. 1720માં સોરઠ રેજિમેન્ટના ડેપ્યૂટી સુબેદાર માસુમખાને રાજકોટના રાજવીને હરાવ્યા અને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું. જે બાદ 1732માં હારેલા રાજાના પુત્રએ પોતાના પિતાની હારનો બદલો લીધો અને ફરી શહેરને જીતી તેનું નામ રાજકોટ કર્યું. 1822માં બ્રિટિશ રાજ આવ્યું ત્યારે તેમણે એજન્સીની સ્થાપના કરી અને તેનું નામ કાઠિયાવાડ એજન્સી રાખ્યું. હાલમાં શહેરમાં જે કોઠી વિસ્તાર છે તે બ્રિટિશ રાજમાં વપરાતો હતો. 1925માં મહાત્મા ગાંધી પહેલી વાર રાજકોટમાં આવ્યા હતા. 1942ના ભારત છોડો ચળવળનો રાજકોટ મહત્વનો હિસ્સો હતું.
જે બાદ રાજકોટે આર્થિક પ્રગતિમાં પણ મહત્વનો ફાળો આપ્યો. રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનું મોખરાનું સ્થાન રહ્યું છે. રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો, રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાંદીની સૌથી વધુ નિકાસ અહીંથી થાય છે. તો રાજકોટ સિલ્ક એમ્બ્રોઈડરીના કારોબાર માટે જાણીતુ છે અને ઓટોમોબાઈલ હબ તરીકે પણ ગણાય છે.
રંગીલો મિજાજ, ખાણી-પીણીનો શોખ, જલસાથી જીવતા રાજકોટીઅન્સ જન્માષ્ટમીના સમયે તો પાંચ દિવસની રજાનો આનંદ માણે છે. જન્માષ્ટમી પર રાજકોટમાં થતો મેળો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તો ખાણી-પીણી માટે પણ રાજકોટ જાણીતુ છે. રાજકોટની એટલી બધી વાનગીઓ જાણીતી છે કે તમે એક જુઓને બીજીને ભૂલો. ચીક્કી, પેંડા, આઈસક્રીમ, લીલી ચટણી, બટાટાની વેફર, ઘુઘરા, ગોલા ખાવામાં રાજકોટવાસીઓ અવ્વલ છે. રાજકોટમાં ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે.
પોરબંદર, નવસારીએ સમૃદ્ધિમાં અમદાવાદ અને સુરતને પાછળ છોડ્યા રાજકોટ તો સૌથી સમૃદ્ધ જિલ્લો છે. પણ સાથે જ બીજા નંબરે પોરબંદરે સ્થાન જમાવ્યું છે. તો નવસારી, સુરત અને અમદાવાદ અનુક્રમે સમૃદ્ધ જિલ્લાના ક્રમાંકમાં ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે. સુરતની હીરાની ચમક અને રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદને પાછળ છોડી પોરબંદર અને નવસારી જિલ્લાઓ સમૃદ્ધિમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી શક્યાં છે.
આદિવાસી જિલ્લામાં ઝડપથી જીવનધોરણ સુધરી રહ્યું છે તો બીજી તરફ પછાત ગણાતા એવા આદિવાસી વિસ્તારમાં પણ બહુ ઝડપથી લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. આદિવાસી બહુલ એવા ડાંગ જિલ્લામાં સૌથી ઝડપથી જીવનધોરણ સુધરી રહ્યું છે. તો દાહોદ, નર્મદા, વલસાડ અને તાપી જિલ્લો પણ આ જ રીતે પ્રગતિના પંથે છે.
COMMENTS