ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણ
ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે.
ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક ૧૯,૪૪૬ ક્યુસેક થઈ રહી છે. તો હાલમાં પાણીની જાવક માત્ર ૫૦૨૭ ક્યુસેક છે. ત્યારે નર્મદા ડેમની સપાટી ૧૧૯.૭૮ મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ ૮,૨૨૯ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે.
ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થયો છે ત્યાં ૧૦ ડેમો ઉપર હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ હેઠળ છે. ૧૦ જળાશયો પૈકી ૬ જળાશય હાઈએલર્ટ ઉપર છે, જ્યાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, બાકી ત્રણ જળાશય એલર્ટ ઉપર છે, જ્યાં ૮૦થી ૯૦ ટકા વચ્ચે અને એક જળાશયમાં ૭૦થી ૮૦ ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ ઉપર છે.
સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૨૬મી જુનની સ્થિતિએ ૩૯.૯૧ ટકા પાણીનો સંગ્રહ છે. અત્યારે સૌથી ઓછું પાણી કચ્છના ૧૪૧ ડેમોમાં ૨૦.૩૯ ટકા છે, સૌરાષ્ટ્રમાં એક ડેમ સંપૂર્ણ છલકાયો છે. કચ્છના ૨૦માંથી ૪ ડેમ સંપૂર્ણ છલકાયા છે, ૨૦ ડેમોમાં ૪૮.૪૮ ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં ૫૧.૪૭ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૪૬.૮૪ ટકા અને મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૩૧.૫૨ ટકા પાણીનો સંગ્રહ છે.
દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૩.૪૫ ટકા પાણીનો જથ્થો છે. કચ્છમાં દર વખતે પાણીનો કકળાટ રહે છે, અલબત્ત, બિપરજોય વાવાઝોડાની અસર અને એ પછી વરસાદ પડયો તેના કારણે કચ્છ જિલ્લામાં હાલમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ એટલે કે જીવંત સંગ્રહ ક્ષમતા ૪૩ ટકા આસપાસ છે. એ જ રીતે અરવલ્લી જિલ્લામાં ૨૫.૮૩ ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૪૩.૩૭ ટકા, મહેસાણા જિલ્લામાં ૫૦.૪૪ ટકા અને સાબરકાંઠા જિલ્લામાં ૩૬.૨૩ ટકા પાણીનો જીવંત સંગ્રહ છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં ૧૭.૦૫ ટકા, દાહોદમાં ૨૧.૨૦ ટકા, મહિસાગરમાં ૨૯.૪૭ ટકા અને પંચમહાલમાં ૧૮.૪૫ ટકા પાણીનો જીવંત સંગ્રહ છે.
COMMENTS