સંસદની સુરક્ષામાં મોટી ચૂકના મુદ્દે સરકારનો જવાબ માંગતા વિપક્ષો-સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મોદી સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરવા દિલ્હીમાં
સંસદની સુરક્ષામાં મોટી ચૂકના મુદ્દે સરકારનો જવાબ માંગતા વિપક્ષો-સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મોદી સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરવા દિલ્હીમાં જુની સંસદથી વિજયચોક સુધી વિરોધપક્ષના સાંસદો-નેતાઓએ પદયાત્રા કરી હતી અને સરકાર પર તડાપીટ બોલાવી હતી. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિની મીમીક્રીનો મુદ્દો ગરમાયો હતો. સરકારે આજે નવા ત્રણ ક્રિમિનલ બીલ રાજ્યસભામાં પ્રસ્તુત કર્યા છે.
સંસદના શિયાળુ સત્ર દરમ્યાન ઉ૫રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેની મીમીક્રીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. મીમીક્રી મુદ્દે ભાજપ વિપક્ષને ઘેરી રહ્યું છે. તેમજ વિપક્ષના સાંસદોએ જુની સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી હતી. આ દરમ્યાન ખડગેએ કહ્યું કે સરકારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે જવાબ આપવો જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આવીને આ મામલે નિવેદન આપવું જોઈએ.
બીજીતરફ બસપા સુપ્રિમો માયાવતીએ કહ્યું કે સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવા તે યોગ્ય નથી. જો કે તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેની મીમીક્રીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ દરમ્યાન ગુરૃવારે પણ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. આજે પણ કાર્યવાહી શરૃ થતાં જ વિપક્ષ દ્વારા હોબાળો મચ્યો હતો. વિપક્ષના કેટલાક સાંસદો પ્રશ્નકાળ દરમ્યાન જ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતાં.
આજે સંસદના શિયાળુ સત્રનો ચૌદમો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યાથી શરૃ થઈ હતી. રાજ્યસભામાં આજે ત્રણ નવા ક્રિમિનલ લો બીલ રજુ કરવામાં આવ્યા હતાં. આ બીલ મંગળવારે (તા. ૨૦ ડિસે.) લોકસભામાં પાસ કરવામાં આવ્યા હતાં.
આ પહેલાં લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે આ બિલ પર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે બ્રિટિશ કાળનો રાજદ્રોહ કાયદો ખતમ કરી દેવામાં આવ્યો છે તેની જગ્યાએ દેશદ્રોહ કાયદો લાવવામાં આવશે તેમજ સગીર પર બળાત્કાર અને મોબ લિચીંગ જેવા ગુનાઓ માટે મૃત્યુદંડ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ પણ રજુ કરશે. આ બિલમાં નકલી સિમ ખરીદવા પર ૩ વર્ષની જેલ અને પ૦ લાખ રૃપિયા સુધીના દંડની જોગવાઈ છે. રાજ્યસભામાંથી પસાર થયા બાદ ચારેય બિલ રાષ્ટ્રપતિને મંજુરી માટે મોકલવામાં આવશે. સંસદના શિયાળુ સત્રના માત્ર ર દિવસ બચ્યા છે. સત્ર ૪ ડિસેમ્બરથી શરૃ થયું હતું. સત્રનો છેલ્લો દિવસ રર ડિસેમ્બર હશે.
બીજી તરફ સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે વિપક્ષનો હોબાળો આજે પણ ચાલુ છે. હંગામાને લઈને બુધવારે (ર૦ ડિસેમ્બર)ના રોજ વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦૯ લોકસભા અને ૩૪ રાજ્યસભાના છે.
સુત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સાંસદની સુરક્ષાની જવાબદારી હવે સીઆઈએસએફને સોંપવાની તૈયારી છે.
COMMENTS