ભારતના પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી નવેમ્બર-ર૦ર૩ માં યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં સંભવતઃ ૧૦ મી ઓકટોબર પહેલા સતાવાર કાર્યક
ભારતના પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી નવેમ્બર-ર૦ર૩ માં યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં સંભવતઃ ૧૦ મી ઓકટોબર પહેલા સતાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની મુદ્દત નવે.-ડિસે./ર૦ર૩માં સમાપ્ત થઈ રહી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા આ પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ એક સાથે જાહેર કરી શકે છે.
ર૦૧૮ ની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં કુલ ર૩૦ બેઠકોમાંથી કોંગ્રેસનો ૧૧૪ અને ભાજપનો ૧૦૯ બેઠકો પર વિજય થયો હતો. જો કે, પક્ષ પલ્ટાથી અત્યારે ત્યાં ભાજપના શિવરાજસિંહ ચૌહાણની સરકાર છે. રાજસ્થાનમાં ર૦૧૮ માં ર૦૦ બેઠકોમાંથી ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો ૯૯ બેઠક પર તથા ભાજપનો ૭૩ બેઠક પર વિજય થતાં સરકાર કોંગ્રેસની રચાઈ હતી. છત્તીસગઢમાં ર૦૧૮ માં ૯૦ બેઠકોમાંથી કોંગ્રેસનો ૬૮ બેઠકો પર જવલંત વિજય થયો હતો અને ભાજપને માત્ર ૧પ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. મિઝોરમમાં ર૦૧૮ માં ૪૦ બેઠકોમાંથી મિઝોરમ નેશનલ ફ્રન્ટે ર૬ બેઠકો જીતી સતા કબ્જે કરી હતી. જ્યારે તેલંગણા રાજ્યમાં ર૦૧૮ માં યોજાયેલી ચૂંટણીમાં ટીઆરએસના કે. ચંદ્રશેખર રાવે ૮૮ બેઠકો જીતી તોતીંગ બહુમતી સાથે સત્તા મેળવી હતી.
આ પાંચ રાજ્યોમાં હાલ એકમાત્ર મધ્યપ્રદેશમાં (પક્ષપલ્ટાના ખેલ પછી) ભાજપની સત્તા છે. ભાજપ દ્વારા મધ્યપ્રદેશ તથા રાજસ્થાન માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ઉપરાંત મિઝોરમ નેશનલ ફ્રન્ટ, ટીઆરએસ વગેરે પક્ષો છેલ્લા બે-ત્રણ મહિનાથી આ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને હવે જ્યારે ચૂંટણી જાહેર થવાની તારીખ નજીક આવી રહી હોવાથી ચૂંટણી પ્રચાર વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો છે. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે ૧ લી ઓકટોબરથી ૧૦ ઓકટોબર વચ્ચે ચૂંટણી પંચ દ્વારા આ પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે.
COMMENTS