શું પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી લડશે? શું આ વખતે તેઓ દક્ષિણ ભારતના કોઇ રાજ્યમાંથી ઉમેદવારી નોંધાવશે? આજકાલ આવા સવાલો ઉઠવા લાગ્યા છે કારણ કે
શું પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી લડશે? શું આ વખતે તેઓ દક્ષિણ ભારતના કોઇ રાજ્યમાંથી ઉમેદવારી નોંધાવશે? આજકાલ આવા સવાલો ઉઠવા લાગ્યા છે કારણ કે કૉંગ્રેસ પાર્ટીએ તાજેતરના કરેલા ફેરફારોમાં પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશની કમાન પરત લઇ લીધી છે. પક્ષમાં તેઓ હજી પણ મહાસચિવ પદ ધરાવે છે, પણ તેમને કોઇ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી નથી. આના જુદા જુદા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક તો પ્રિયંકા પાસે કોઇ રાજ્યની જવાબદારી નહીં હોવાથી તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે છે અને બીજું ઉત્તર પ્રદેશની જવાબદારી તેમની પાસેથી લઇ લેવામાં આવી હોવાથી શું હવે તેઓ દક્ષિણ ભારતના કોઇ રાજ્યમાથી ચૂંટણી લડશે?
કૉંગ્રેસ પાર્ટીના ભૂતકાળ અને વર્તમાન પર નજર કરીએ તો પણ પ્રિયંકા ગાંધી ને લઇને ચાલી રહેલી અટકળોને વેગ મળે છે. 2019ની છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી જીતી શક્યા નહોતા. કૉંગ્રેસની આ પરંપરાગત બેઠક પર ભાજપના નવા સવા નેતા સ્મૃતિ ઇરાની જીતી ગયા હતા. જોકે, સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની પરંપરાગત બેઠક રાયબરેલીને જીતવામાં સફળ રહ્યા હતા, પરંતુ 80 બેઠકો ધરાવતા આ રાજ્યમાં અન્ય કોઈ કોંગ્રેસી જીતી શક્યા ન હતા. રાજકીય વિશ્લેષકોએ તો એમ પણ જણાવ્યું હતું કે જો રાજ્યની બે મોટી પાર્ટી સપા અને બસપાએ સોનિયાને સમર્થન આપ્યું ના હોત તો કૉંગ્રેસને રાયબરેલીમાં પણ નિષ્ફળતા જ મળત. આજે 2024માં પણ આ સ્થિતિ બદલાઇ નથી.
ઉત્તર પ્રદેશ છોડો, સમગ્ર ઉત્તર ભારતમાં કૉંગ્રેસ પાર્ટી માટે સ્થિતિ સારી નથી. તાજેતરમાં, તેલંગાણામાં કોંગ્રેસ જીતી આવી છે. કર્ણાટકમાં કૉંગ્રેસ રાજ છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં કેરળના વાયનાડથી રાહુલ ગાંધીની જીત થઇ હતી. આ બધું જોતા દક્ષિણમાં પ્રિયંકા ગાંધીનો માર્ગ સરળ લાગે છે. ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ આંધ્ર પ્રદેશના મેડક અને કર્ણાટકના ચિકમગલુરથી ચૂંટણી લડી હતી જ્યારે સોનિયા કર્ણાટકની બેલ્લારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને જીત્યા હતા. હવે કૉંગ્રેસનું તેલંગણા એકમ પ્રિયંકાને ચૂંટણીમાં અહીંથી ઊભા રહેવાના સમર્થનમાં દલીલ રજૂ કરી રહ્યું છે. તેલંગણા કૉંગ્રેસનુ ંકહેવું છે કે જો પ્રિયંકા તેલંગણાની લોકસભાની કોઇ સીટ પરથી ચૂંટણી લડે છે તો આધ્રપર્દેશમાં પણ કૉંગ્રેસની સ્થિતિ સુધરી શકે છે. તેલંગણા અને કર્ણાટકમાં પ્રિયંકા ગાંધીએ આક્રમકતાપૂર્વક પ્રચાર કર્યો હતો અને તેમને જ પક્ષની જીતનો શ્રેય આપવામાં આવી રહ્યો છે.
ટીએમસીના વડા મમતા બેનરજીએ તાજેતરમાં સૂચન કર્યું હતું કે પેરિયંકા ગાંધીએ વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી નોંધાવવી જોઇએ, પણ કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેમનો પક્ષ અન્ય કોઈ પક્ષના સૂચન પર આવો કોઈ નિર્ણય લેશે નહીં, પછી ભલે તે પક્ષ ગઠબંધન ભાગીદાર હોય.
એ વાત પણ સાચી છે કે આ વખતે કૉંગ્રેસ ભાજપને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી અને તેમાં પ્રિયંકા તેમને હુકમના એક્કાની જેમ દેખાઇ રહ્યા છે, જોકે, પાર્ટી માટે એસવાલ પણ છે કે રાહુલ પણ ગયા વખતે દક્ષિણમાં ગયા હતા અને હવે જો પ્રિયંકા પણ દક્ષિણમાંથી ચૂંટણી લડે તો લોકોમાં એવી છબી જશે કે કૉંગ્રેસ દક્ષિણ પૂરતી જ સીમિત થઇ ગઇ છે.
જ્યાં સુધી ભાજપનો સવાલ છે, તો તેઓ રાષ્ટ્રીય પક્ષ તરીકેની છબી મજબૂત કરી રહ્યા છે એ ઉપરાંત દક્ષિણમાં પણ તેમનો આધાર મજબૂત કરવામાં પક્ષના પ્રયાસો જારી છે.
COMMENTS