બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧રપ૦૮ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. ગઈકાલે રાત્રે લગભગ ૯ વાગ્યે દાનાપુર-બકસર રેલવે સેક્શન પર રઘુનાથપુર રેલવે સ્ટેશન
બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧રપ૦૮ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. ગઈકાલે રાત્રે લગભગ ૯ વાગ્યે દાનાપુર-બકસર રેલવે સેક્શન પર રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ ડુમરાઓના એસડીઓ કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. સામાન્ય લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેનમાં જોરદાર આંચકા અનુભવાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રઘુનાથપુર પશ્ચિમ ગુમતી નજીક જોરદાર અવાજ સાથે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા. થોડી જ વારમાં ડબ્બામાં પેસેન્જરોની ચીસો સંભળાઈ.
આ મામલે તરત જ ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને રેલવેના અધિકારીઓ પણ દુર્ઘટનાની જાણ થતાં તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ અકસ્માતમાં એક ડબ્બો બીજા ડબ્બા પર ચડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. કુલ ૧૦૦ મુસાફરો ઘાયલ થયા છે.
જો કે, કેટલા મુસાફરોના મોત થયા અને કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તપાસ શરૃ થઈ ચૂકી છે. રેલવે બોર્ડે દુર્ઘટનાના તાત્કાલિક હાઈ લેવલની તપાસના આદેશ કર્યા હતાં. તપાસ દરમિયાન રેલવેના પાટા અનેક જગ્યાએ તૂટી આવેલા મળ્યા હતાં. પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
આ મામલે અધિકારીઓ અત્યાર સુધી કોઈપણ ટિપ્પણી કરતા બચી રહ્યા છે, પણ શું આ દુર્ઘટનાનું કારણ કોઈ ટેકનિકલ ખામી હતી? કે પાટા પર અવરોધ હતો કે ટ્રેન પસાર થાય તે પહેલા જ પાટા તૂટેલા હતાં એ તમામ પોઈન્ટ પર તપાસ શરૃ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું કે બક્સરથી નીકળ્યા પછી નવ મિનિટમાં જ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જે સમયે દુર્ઘટના સર્જાઈ તે સમયે ટ્રેનની ઝડપ ૧૧૦ થી ૧ર૦ કિ.મી. પ્રતિકલાક હતી. એટલા માટે જ એક બે સિવાય લગભગ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. સદ્ભાગ્યે કોઈ બીજી ટ્રેનનો ત્યાંથી પસાર થવાનો સમય નહોતો નહીંતર ફરી મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હોત.
છેલ્લા અહેવાલ મુજબ રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે, જેમાં પટના-૯૭૭૧૪ ૪૯૯૭૧, દાનાપુર-૮૯૦પ૬ ૯૭૪૯૩, આરા-૮૩૦૬૧ ૮રપ૪ર, કંટ્રોલ નંબર- ૭૭પ૯૦ ૭૦૦૦૪ નો સમાવેશ થાય છે.
COMMENTS