સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયાના પંદર દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, કથિત રીતે નરેશ અગ્રવાલે આત્મહત્યાનો પ્રયાસ
સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયાના પંદર દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, કથિત રીતે નરેશ અગ્રવાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. ક્લિપમાં નરેશ અગ્રવાલે સુરતના જ મોટા ગજાના લોકો સામે વ્યાજખોરી સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા.
વિગતો મુજબ કન્સટ્રક્શન ઉપરાંત ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા 60 વર્ષીય નરેશ અગ્રવાલે ઓડિયો ક્લિપ રાજકારણી સહિત ચાર સામે આક્ષેપો કર્યા હતા અને ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ નરેશ અગ્રવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવારનાં અંતે ત્રણેક દિવસ પહેલાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઓડિયો ક્લિપમાં નરેશ અગ્રવાલે રાજેશ પોદ્દાર, અફરોઝ ફત્તા, છગન મેવાડા અને આર,ગાંધી વિશે રુપિયાની લેતી દેતી માટે માનિસક અને શારિરીક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનું અગ્રવાલે ક્લિપમાં વારંવાર ઉલ્લેખ કર્યો હતો.ક્લિપ વાયરલ થયા બાદ સુરત શહેરની બિલ્ડર લોબીમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સારોલી પોલીસ સ્ટેશનનાં તાબા હેઠળ ઘટના બની હોવાથી સુરતના લોકોની નજર પોલીસ કાર્યવાહી પર મંડાયેલી છે. પોલીસે બિલ્ડર નરેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ઘટનાને પંદર દિવસના વહાણા વાયા હોવા છતાં ગંભીર પ્રકારના મામલામાં હજુ સુધી પોલીસ કાર્યવાહી કરવામાં ન આવતા રહસ્યના કૂંડાળા સર્જાયેલા જોવા મળી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી મુજબ સમાધાનનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નરેશ અગ્રવાલે જેમની સામે રુપિયા અને વ્યાજખોરીના આક્ષેપો કર્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરી ન હોવાથી ચર્ચા મુજબ સમાધાન કરવા માટે એક લોબી સક્રીય થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
COMMENTS