ભારતે કેનેડાને ૪૦ ડિપ્લોમેટ્સને પાછા બોલાવવા કહ્યું છે. અખબારી અહેવાલો મુજબ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ નિર્ણય
ભારતે કેનેડાને ૪૦ ડિપ્લોમેટ્સને પાછા બોલાવવા કહ્યું છે. અખબારી અહેવાલો મુજબ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિપ્લોમેટ્સને ભારત છોડવા માટે ૧૦ ઓક્ટોબરની સમયમર્યાદા આપવામાં આવી છે. આ અહેવાલો અનુસાર આ ૪૦ ડિપ્લોમેટ્સમાંથી જે સમયમર્યાદા પછી ભારતમાં રહેશે. તેમને આપવામાં આવતી છૂટ અને અન્ય લાભ બંધ થઈ જશે. લગભગ ૬ર કેનેડિયન ડિપ્લોમેટ્સ ભારતમાં કામ કરે છે. ૧૦ ઓક્ટોબર પછી દેશમાં માત્ર ર૧ કેનેડિયન ડિપ્લોમેટ્સ જ રહેશે.
આ અગાઉ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે કેનેડાને સ્પષ્ટપણે કહ્યું છે કે બન્ને દેશોમાં ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન હોવી જોઈએ. વિયેના કન્વેન્શન હેઠળ આ જરૃરી છે. ૧૮ સપ્ટેમ્બરે કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત સરકાર પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેમણે એક ભારતીય ડિપ્લોમેટને પણ હાંકી કાઢ્યા હતાં.કેનેડાએ આ કાર્યવાહીનો જવાબ આપતા ભારતે પણ તેમના એક ડિપ્લોમેટને દેશ છોડવા માટે કહ્યું હતું. આ પછી ભારતેકેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ પણ બંધ કરી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, તા. ર૬ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનમાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કેનેડાનું નામ લીધા વિના કહ્યું હતું કે, રાજકારણ માટે આતંકવાદને પ્રોત્સાહન આપવું ખોટું છે. અમે માનીએ છીએ કે સાર્વભૌમત્વનું સન્માન મહત્ત્વનું છે, પરંતુ આ સન્માન પસંદગીયુક્ત ન હોવું જોઈએ. આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર રાજકીય સગવડતા અનુસાર પગલાં લેવા જોઈએ નહીં. આ પછી જયશંકરે કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સ ચર્ચામાં કેનેડા સાથે જોડાયેલા ઘણાં સવાલોના જવાબ પણ આપ્યા. જયશંકરે કહ્યું હતું કે, કેનેડામાં અલગતાવાદી દળો, હિંસા સંબંધિત ગુનાઓ અને ઉગ્રવાદ વધી રહ્યા છે.
જયશંકરે કહ્યું હતું કે, કેનેડમાં અમારા ડિપ્લોમેટ્સને ડરાવવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે. અમારા કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવે છે. લોકશાહીમાં આવું જ થાય છે એમ કહીને આ બધું વાજબી છે. જો એવી કોઈ ઘટના હશે જે એક મુશ્કેલીનો મુદ્દો છે અને કોઈ મને સરકાર તરીકે થોડી માહિતી આપે છે તો હું ચોક્કસપણે તેની તપાસ કરીશ.
૩૦ સપ્ટેમ્બરે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સાથે મુલાકાતના એક દિવસ પછી વિદેશ પ્રધાન એસ જયશંકરે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈની પાસેથી શીખવાની જરૃર નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાને એટલી હદે પ્રોત્સાહન આપી શકાય નહીં કે તેનો ઉપયોગ હિંસા ભડકાવવા માટે થાય. આ સહન કરવામાં આવશે નહીં. અમારા મિશન પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવે છે. ડિપ્લોમેટ્સને ધમકાવવામાં આવે છે અને તેમના વિરૃદ્ધ વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવે છે. શું આ સામાન્ય બાબત છે? હવે આ ભારત વિરૃદ્ધ થયું છે. જો આવું કોઈ અન્ય દેશ સામે થયું હોત તો પણ શું આ બાબત સામાન્ય ગણાઈ હોત? કેનેડામાં જે કંઈ બન્યું તે નાની કે સામાન્ય બાબત નથી.


COMMENTS