મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. રાહુલ
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. રાહુલ ગાંધીને રાહત આપતા ન્યાયાધીશે કહ્યું કે, જ્યાં સુધી અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અમે રાહુલની સજા પર રોક લગાવીએ છીએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ટીપ્પણી યોગ્ય નથી. જાહેર જીવનમાં આ બાબતે સાવધાન રહેવું જોઈએ.સુપ્રીમ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને રાહત મળવા પર કોંગ્રેસે કહ્યું હતું કે, આ નફરત સામે પ્રેમની જીત છે. સત્યમેવ જયતે-જય હિન્દ.
અગાઉ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રસપ્રદ ગણાવ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે હાઈકોર્ટનો નિર્ણય ખૂબ જ રસપ્રદ છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે સાંસદે કેવું વર્તન કરવું જોઈએ. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. જ્યારે સામા પક્ષે મહેશ જેઠમલાણીએ પોતાની દલીલો રજૂ કરી હતી.
જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી વતી ઉપસ્થિત વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદી (પૂર્ણેશ)ની મૂળ અટક પોતે મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તેઓ કેવી રીતે કેસ દાખલ કરી શકે? રાહુલે જે જે લોકોનું નામ લીધું હતું, એ લોકોએ તો કોર્ટમાં કેસ નથી કર્યો. દેશમાં 13 કરોડ લોકોની અટક મોદી છે. એમાંથી કોઇએ કેસ નથી કર્યો, પરંતુ સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને જ થઇ રહી છે.
કોર્ટમાં રાહુલનો પક્ષ રાખતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કેસમાં બદનક્ષીના કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે. આનું પરિણામ એ આવશે કે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી જનપ્રતિનિધિ બની શકશે નહીં. તેમણે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે હાઈકોર્ટે 66 દિવસ માટે આદેશ અનામત રાખ્યો છે. રાહુલ લોકસભાના બે સત્રમાં હાજર રહી શક્યા નથી.
જસ્ટિસ ગવઇએ નોંધ્યું હતું કે રાહુલ ગાંધીની સજાથી તેમના સમગ્ર મતવિસ્તારના અધિકારને અસર થઈ રહી છે. ટ્રાયલ જજે લખ્યું છે કે સંસદ સભ્ય હોવાના આધારે આરોપીને કોઈ ખાસ છૂટ આપી શકાય નહીં. ઓર્ડરમાં ઘણી બધી સલાહ પણ આપવામાં આવી છે. આ દિવસોમાં ગુજરાતમાંથી ખૂબ જ રસપ્રદ ઓર્ડરો આવી રહ્યા છે.
પૂર્ણેશ મોદી વતી ઉપસ્થિત વકીલ મહેશ જેઠમલાનીએ કહ્યું હતું કે રાફેલ મામલે પણ રાહુલે ચોકીદાર ચોર હૈ એમ કહ્યું હતું. પછીથી કોર્ટમાં તેણે કહ્યું હતું કે ઉશ્કેરાટમાં આમ બોલાઇ ગયું હતું. એ વખતે પણ તેમણે દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે કોર્ટના ઠપકા બાદ તેમણે માફી માગી હતી.
હવે જ્યારે રાહુલને મોદી સરનેમ કેસમાં રાહત મળી ગઇ છે, ત્યારે હવે તેઓ સંસદના મોન્સુન સત્રમાં હાજર રહી શકશે.
COMMENTS