વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉભા કરવા બાબતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે કેસ ચાલી રહ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉભા કરવા બાબતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે કેસ ચાલી રહ્યો છે. આજે બંને AAP નેતાઓને અમદવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહેવાનું હતું. પરંતુ યમુના નદીમાં આવેલા પુરને કારણે તેઓ કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. હવે કોર્ટે 26 જુલાઈના રોજ તેમણે હાજર રહેવા નોટીસ પાઠવી છે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની ડિગ્રી બાબતે અવારનવાર સવાલ ઉઠતા રહે છે. વડાપ્રધાન મોદીની ડિગ્રી જાહેર કરવા અરવિંદ કેજરીવાલે RTI અરજી કરી હતી. આ માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને(CIC) ગુજરાત યુનિવર્સીટી(GU)ને વડાપ્રધાન મોદીની ડિગ્રીની વિગતો આપવા આદેશ કર્યો હતો. GU એ CICના આ આદેશને ગુજરાત હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ GUના તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
હાઈ કોર્ટે કહ્યુ હતું કે આ RTI કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે કેજરીવાલ પર ₹25,000નો દંડ ફટકાર્યો હતો અને તેમને ચાર અઠવાડિયાની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં રકમ જમા કરાવવા જણાવ્યું હતું.
ત્યારબાદ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડિગ્રી પર ફરીથી સવાલો ઉઠાવ્યા અને આ બાબતે ટ્વીટ પણ કરી હતી. 2જી એપ્રિલના રોજ સંજયસિંહે પણ વડાપ્રધાનની ડિગ્રીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે ઇન્ડિયન પીનલ કોડની કલમ 500 અંતર્ગત યુનિવર્સિટીને બદનામ કરવાના આરોપસર AAP નેતાઓ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. આજે આ કેસ અંગે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરવિંદ કેજરીવાલને હાજર રહેવાનું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જેમાં અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજુઆત કરવામાં આવી કે દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આથી તેઓ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલ દ્વારા પણ કોઈ વાંધો લેવાયો નહોતો. હવે 26 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે.
બીજી તરફ અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટના 31 માર્ચ, 2023ના ચુકાદા સંદર્ભે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણી 21 જુલાઈએ હાથ ધરાશે.
નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ઉપલબ્ધ નથી.
COMMENTS