હરિયાણા-દિલ્હીમાં ભારે વરસાદ પછી યમુના નદી ર૦૮.૪૬ મીટરના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા રાજધાની દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સ
હરિયાણા-દિલ્હીમાં ભારે વરસાદ પછી યમુના નદી ર૦૮.૪૬ મીટરના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા રાજધાની દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન ખોરવાયુંછે અને મુખ્યમંત્રીએ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવાના આદેશો આપ્યા છે. એલજીએ પણ તાકીદની બેઠક બોલાવી છે.
દિલ્હી અને હરિયાણામાં ભારે વરસાદ બાદ હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું છે કે દિલ્હીના જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે ત્યાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં મુશળધાર વરસાદ પછી પૂરનો ખતરો છે. યમુના નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ર૦૮.૦પ મીટરે પહોંચી ગયું હતું. આ પછી યમુનાનું પાણી બજારની દીવાલમાંથી નીકળવા લાગ્યું છે. આજે સવારે ૭ વાગ્યા સુધીમાં યમુનાની જળસપાટી ર૦૮.૪૬ મીટર નોંધાઈ હતી. આ સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક બપોરે બોલાવી છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધી રહ્યું છે ત્યારે કાશ્મીરી ગેટ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ધ્યાને રાખી બચાવ માટે એનડીઆરએફની ટીમો તૈયાર રાખવામાં આવી છે.
આજે યમુનાનું પાણી ઉત્તર દિલ્હીના મુખ્ય રસ્તા પર પહોંચી ગયું છે. આ સિવાય કાશ્મીરી ગેટ, રીંગ રોડ, આઈટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે તેમજ પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી અને કનોટ પ્લેસના કેટલાક માર્ગો પર પણ યમુનાનું પાણી આવવાનું શરૃ થઈ ગયું છે. નોંધનીય છે કે, ગઈકાલે યમુના નદીનું જળસપાટી વધીને ર૦૭.૮૩ મીટર થયું હતું જે ૧૯૭૮ પછી નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
નદીનું જળસ્તર ભયજનક નિશાન ર૦પ મીટરથી ૩ મીટર ઉપર વહે છે. રાજધાનીના વજીરાબાદમાં સિગ્નેચર બ્રિજ પાસે ગઢી માંડુ ગામ પાણીમાં ડૂબી ગયું હતું. યમુના નદીના કિનારે આવેલા નિચાણવાળા વિસ્તારોમાંથી ૧૬,૦૦૦ થી વધુ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. યમુનાના પાણીના કારણે દિલ્હીના રસ્તા નદી જેવા બની ગયા છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. યમુનાના પાણી દિલ્હીના રસ્તા અને ગલીમાં વહી રહ્યા છે. હાલત ખરાબ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાન સુધી પણ પાણી પહોંચી જતા કેજરીવાલે ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી,તો બીજી તરફ એલ.જી.એ બોલાવેલી બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળે છે.
હરિયાણાના હથની કુંડ બેરાજમાંથી પાણી છોડવામાં આવ્યા પછી યમુનાના જળસ્તરમાં વધારો થયો છે. યમુના વજીરાબાદથી ઓખલા સુધી રર કિ.મી.માં વહે છે. સેન્ટ્રલ વોટર કમિશનને આશંકા છે કે ગુરુવાર સુધીમાં જ્યારે પાણીનું સ્તર ર૦૯ મીટર સુધી પહોંચશે ત્યારે મોટાભાગના વિસ્તારો ડૂબી જશે. એનડીઆરએફની ૧ર ટીમો અહીં તહેનાત કરવામાં આવી છે. ર,૭૦૦ રાહત શિબિર લગાવવામાં આવ્યા છે.
COMMENTS