મહારાષ્ટ્રમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સતારા જિલ્લામાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાની
મહારાષ્ટ્રમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સતારા જિલ્લામાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાની માહિતી સામે આવી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટથી રોજ સોશિયલ મીડિયા પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ અહીંના કેટલાક તોફાની તત્વોએ દેશના મહાપુરુષો વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે રવિવારે રાત્રે મામલો વણસ્યો હતો અને બંને સમુદાય વચ્ચે વિવાદ ઘણો વધી ગયો હતો. કેટલાક ધાર્મિક સ્થળો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. કેટલાક સ્થળે આગચંપીના બનાવ પણ બન્યા હતા.
આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે બળનો ઉપયોગ કરીને લોકોને હટાવ્યા હતા. આ સાથે કેટલીક જગ્યાએ તોડફોડના બનાવો પણ સામે આવ્યા છે. આ ઘટના બાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સતારા પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં 100થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ પહેલા મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નીકળી હતી. શેગાંવમાં ધાર્મિક યાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે હિંસામાં સામેલ 32 લોકોને કસ્ટડીમાં લીધા છે.
તાજેતરમાં ભડકેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા બીજેપી ધારાસભ્ય રામ કદમે જણાવ્યું હતું કે, જ્યારથી શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવી છે ત્યારથી આવી ઘટનાઓ જાણીજોઈને થઈ રહી છે જેથી સરકારને બદનામ કરી શકાય, પણ સરકાર આવા કાર્યો કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરશે અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
COMMENTS