નેપાળમાં પાંચ મેક્સીકન નાગરિકો સહિત છ લોકોને લઈ જતું એક ખાનગી વાણિજ્યિક હેલિકોપ્ટર મંગળવારે દેશના પૂર્વી પર્વતીય ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ હેલિકો
નેપાળમાં પાંચ મેક્સીકન નાગરિકો સહિત છ લોકોને લઈ જતું એક ખાનગી વાણિજ્યિક હેલિકોપ્ટર મંગળવારે દેશના પૂર્વી પર્વતીય ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા છે. નેપાળી મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. આ હેલિકોપ્ટર આજે સવારે માઉન્ટ એવરેસ્ટ નજીક ગુમ થયું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના મેનેજર જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, માનંગ એરના હેલિકોપ્ટર 9N-AMVએ સોલુખુમ્બુના સુરકી એરપોર્ટથી સવારે 10.04 વાગ્યે કાઠમંડુ માટે ઉડાન ભરી હતી. સવારે 10.13 કલાકે 12,000 ફૂટની ઉંચાઈ પર તેનો અચાનક સંપર્ક તૂટી ગયો હતો.
TIAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દૂરના પર્વતીય સોલુખુમ્બુ જિલ્લામાં લિખેપિક ગ્રામીણ નગરપાલિકાના લામજુરા વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. વિગતવાર અહેવાલ હજુ મળ્યો નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકોએ તેમને જાણ કરી કે એક હેલિકોપ્ટર જોરદાર વિસ્ફોટ સાથે ક્રેશ થયું છે અને તેઓએ ક્રેશ સાઇટ પર આગ જોઈ.
કાઠમંડુ પોસ્ટ અખબાર દ્વારા ગ્રામીણ નગરપાલિકાના ઉપાધ્યક્ષ નાવાંગ લકપાને ટાંકવામાં આવ્યું હતું કે, “સ્થાનિકોએ ક્રેશ થયેલું હેલિકોપ્ટર ચિહાંડામાં જોયું.” મનંગ એરના ઓપરેશન્સ અને સિક્યુરિટી મેનેજર રાજુ ન્યુપેને જણાવ્યું કે હેલિકોપ્ટરનું છેલ્લું લોકેશન સવારે 10.12 વાગ્યે લમજુરા પાસ વિસ્તારમાં જોવા મળ્યું હતું. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. અગાઉ દુર્ઘટના સ્થળ શોધવા માટે મોકલવામાં આવેલા બે હેલિકોપ્ટરને ખરાબ હવામાનના કારણે પરત ફરવું પડ્યું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પાંચ મેક્સીકન નાગરિકો અને પાઇલટ ચેટ બી ગુરુંગ હેલિકોપ્ટરમાં સવાર હતા.’માય રિપબ્લિકા’ ન્યૂઝ પોર્ટલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ક્રેશ સાઇટ પરથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અગાઉ ટીઆઈએના પ્રવક્તા ટેકનાથ સિતૌલાએ ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, “એવી માહિતી છે કે મનંગ એરનું હેલિકોપ્ટર લામાજુરા પાસ પર પહોંચ્યું ત્યારથી સંપર્ક તૂટી ગયો છે. અહેવાલ છે કે હેલિકોપ્ટરને વાઈબર પર માત્ર ‘હેલો’ સંદેશ મળ્યો હતો.
મનંગ એર એ કાઠમંડુ સ્થિત હેલિકોપ્ટર એરલાઇન છે જેની સ્થાપના 1997માં થઈ હતી. તે નેપાળના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના નિયમન હેઠળ નેપાળના પ્રદેશમાં વાણિજ્યિક હવાઈ સેવાઓ પૂરી પાડે છે. કંપની ચાર્ટર્ડ સેવાઓ પૂરી પાડે છે.
COMMENTS