મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોગસ આતંકવાદી ધમકી અંગે પોલીસને ખોટી માહિતી આપવા બદલ યુવાનની ધરપકડ કરી છે. આરોપીની નિલેશ દેવપાંડે તરીકે ઓળખ થઈ છે. પોલીસને પૂછ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોગસ આતંકવાદી ધમકી અંગે પોલીસને ખોટી માહિતી આપવા બદલ યુવાનની ધરપકડ કરી છે. આરોપીની નિલેશ દેવપાંડે તરીકે ઓળખ થઈ છે. પોલીસને પૂછપરછમાં ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. નિલેશ દેવપાંડેએ ધમકીનો કોલ ટ્રક ડ્રાઈવર સાથે બદલો લેવાના ઈરાદે કર્યો હતો. નિલેશનું સ્કૂટર ટ્રક સાથે અથડાયા બાદ તેણે ટ્રક ડ્રાઈવર સામે વેરની વસૂલાત કરવાનો પ્લાન બનાવ્યો હતો.
શનિવારે મોડી રાત્રે એક વાગ્યે મુંબઈ પોલીસના ક્ન્ટ્રોલ રુમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ખતરનાક માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈ કાંજુરમાર્ગનો નિલેશ દેવપાંડે બોલું છું. તેણે એમ પણ કહ્યું કે એક ટ્રક છે જેમાં આરડીએક્સ અને બે પાકિસ્તાની નાગરિકો સવાર છે અને તેઓ મુંબઈથી ગોવા તરફ જઈ રહ્યા છે. ફોન કોલની ગંભીરતા જોઈ પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને મહારાષ્ટ્ર એટીએસ અને ગોવા કન્ટ્રોલ રુમ એલર્ટ કરી દીધા હતા.
જોકે, તપાસ કરતા પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી અને ફોન કોલ અંગે શંકા જન્મી. તપાસમાં ખૂલ્યું કે હકીકતમાં એક ટ્રક નિલેશના સ્કૂટરને નજીવી ટક્કર મારીને નીકળી ગયું હતું.
તપસામાં જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ ખોટા ફોન કોલ પાછળના ઈરાદાની તપાસ કરતાં નિલેશના ખતરનાક ષડયંત્રનો ઘટસ્ફોટ થયો.
અધિકારીએ જણાવ્યું કે દેખીતી રીતે મામૂલી અકસ્માત પર ગુસ્સે થઈને નિલેશે ટ્રક ડ્રાઈવરને ફસાવવા અને પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર સામે સખત કાર્યવાહી કરવાવનો પ્લાન બનાવ્યો હતો અને બદલો લેવાના ઈરાદે ફોન કરવાનું કાવતરું ઘડયું હતું. અધિકારીએ ઉમેર્યું કે ટેન્કરમાં આરડીએક્સના લઈ જવા અંગેની તેની ઉપજાવી કાઢેલી સ્ટોરી અરાજકતા અને આશંકા ફેલાવવા માટે રચવામાં આવી હતી. જો કે, મુંબઈ પોલીસના સતર્ક પ્રયાસોના કારણે નિલેશનાં બોગસ ફોન પાછળનાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
હકીકત પરથી પડદો ઉઠ્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોલીસને ખોટી માહિતી આપવાના આરોપમાં નિલેશ દેવપાંડેની તાત્કાલિક ધરપકડ કરી હતી. કાયદાના અમલીકરણની પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના અને વિક્ષેપિત કરવાના તેના ઇરાદાપૂર્વકના પ્રયાસ બદલ હવે તેને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જેમ જેમ કેસ આગળ વધશે, તેમ તેમ અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનું ચાલુ રાખીશું, ભવિષ્યમાં આવી કરતૂતો કરનારા ટીખળબાજો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે.
COMMENTS