સખત બફારા અને ગરમી વચ્ચે અમદાવાદના અમુક વિસ્તારોમાં રવિવારે સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જોકે હજુ શહેરમાં વરસાદી માહોલ હોવા છતાં વરસાદ ખાસ વરસ્યો
સખત બફારા અને ગરમી વચ્ચે અમદાવાદના અમુક વિસ્તારોમાં રવિવારે સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જોકે હજુ શહેરમાં વરસાદી માહોલ હોવા છતાં વરસાદ ખાસ વરસ્યો નથી અને લોકોએ બફારાને સહન કરવો પડે છે.
જોકે રાજ્યના 90 જેટલા તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. શનિવારથી રાજ્યમાં વરસાદે દસ્તક દીધી છે. આ દરમિયાન માત્ર 2 કલાકમાં ગોધરામાં પોણા ચાર ઈંચ, રાજકોટના લોધીકામાં 3 અને ભાવનગરના જેસરમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં હાલ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. સુરત, વડોદરામાં પણ ટીપા ટાપા પડ્યા હતા. જ્યારે વડોદરા, ભરુચ, નવસારી અને વલસાડમાં રીમઝીમ વરસાદ પડ્યો હતો.
દરમિયાન મધ્ય ગુજરાતમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાના સંકેતો અપાયા છે. ગઈકાલથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે.
COMMENTS