જામનગરની નવી સાધનાકોલોનીમાં આવેલા હાઉસીંગ બોર્ડના વર્ષાે જૂના એક બિલ્ડીંગનો એક તરફનો ભાગ ગઈકાલે સાંજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. એક માળે બે ફ્લેટ
જામનગરની નવી સાધનાકોલોનીમાં આવેલા હાઉસીંગ બોર્ડના વર્ષાે જૂના એક બિલ્ડીંગનો એક તરફનો ભાગ ગઈકાલે સાંજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. એક માળે બે ફ્લેટ એવી રીતે ત્રણ માળના છ ફલેટ જોતજોતામાં ધૂળની ડમરી વચ્ચે જમીનદોસ્ત થઈ ગયા હતા તેના કાટમાળમાં આઠ વ્યક્તિ દબાઈ ગયા હતા જેમાંથી એક દંપતી અને તેમના ચાર વર્ષના પુત્રના ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયા છે. જ્યારે પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તે ઉપરાંત પાંચ વ્યક્તિ ઘરે ન હોય તેઓનો બચાવ થયો છે. મૃતકના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને પ૦ હજાર આપવાની રાજ્ય સરકારે ઘોષણા કરી છે. કાટમાળ હટાવવાની, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં ફાયરબ્રિગેડ, પોલીસ, ૧૦૮ની ટીમની સાથે સ્થાનિક લોકો પણ જોતરાયા હતા. બનાવ પછી છ કલાકે મશીનોની મદદથી કાટમાળ હટાવી શકાયો હતો. આ ઈમારત પડતા આવી જ અન્ય ઈમારતોમાં રહેતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધનાકોલોનીના પ્રથમ ગેઈટ નજીકના એમ/૬૯ નંબરના બ્લોકમાં એક તરફનો હિસ્સો ગઈકાલે સાંજે અચાનક જ ધરાશાયી થતાં દોડધામ થઈ પડી હતી. એક માળે ચાર ફ્લેટ અને કુલ ત્રણ માળમાં બાર ફ્લેટ ધરાવતા આ બિલ્ડીંગનો એક તરફનો હિસ્સો જમીનદોસ્ત થઈ જતાં આ ફ્લેટોમાં હાજર આઠ વ્યક્તિ કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા.
ઉપરોક્ત બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ તથા જામ્યુકોની એસ્ટેટ વિભાગની ટૂકડી ધસી ગઈ હતી. તેની સાથે જ પહોંચેલી પોલીસ તથા ૧૦૮ની ટીમ પણ કામગીરીમાં જોતરાઈ હતી. આ ઈમારતનો છતનો ભાગ પડ્યા પછી ગણતરીની સેકન્ડોમાં ઈમારતનો એક તરફનો ભાગ જમીન પર ઢળી પડતા ધૂળના ચડેલા ગોટેગોટા વચ્ચે ચીસો ગાજી ઉઠી હતી.
સ્થળ પર પહોંચેલી જુદી જુદી ટીમોએ તરત જ કામગીરી શરૃ કરી હતી અને તેમાં સ્થાનિક લોકો પણ જોતરાયા હતા, ધ્વંશ થયેલી ઈમારતના કાટમાળમાંથી લોકોને શોધી શોધીને ૧૦૮માં ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન આ બ્લોકના રૃમ નં.૪૪૪૮માં વસવાટ કરતા જયપાલભાઈ રાજુભાઈ સાદીયા (ઉ.વ.૩૫), તેમના પત્ની મિતલબેન જયપાલભાઈ (ઉ.વ.૩૩) અને આ દંપતીનો ચાર વર્ષનો બાળક શિવમ્ કાટમાળમાં દબાઈ જતાં માથામાં ગંભીર ઈજા પામેલી હાલતમાં સાંપડ્યા હતા. આ ત્રણેય વ્યક્તિ ઉપરાંત કંચનબેન મનસુખભાઈ જોઈસર, પારૃલબેન અમિતભાઈ જોઈસર, રાજુભાઈ ઘેલાભાઈ સાદીયા, દેવીબેન રાજુભાઈ સાદીયા અને દેવાંશી જયપાલભાઈ સાદીયા નામના પાંચ વ્યક્તિ પણ કાટમાળ માંથી મળી આવ્યા હતા. તે તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઈજાગ્રસ્તોની તાત્કાલિક શરૃ કરાયેલી સારવાર દરમિયાન તબીબોએ જયપાલભાઈ, તેમના પત્ની મિતલબેન અને બાળક શિવમ્ને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે પાંચ ઈજાગ્રસ્તને સઘન સારવાર આપવાનું શરૃ કરાયું હતું.
સ્થળ પર ફાયરબ્રિગેડ, એસ્ટેટ શાખા, પોલીસ ટૂકડી અને સ્થાનિક લોકો દ્વારા હટાવાઈ રહેલા કાટમાળમાં હજુ કેટલાક લોકો જોવા મળતા ન હોય તપાસ કરાતા આ ઈમારતના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા જોઈસર પરિવારના અમિતભાઈ, નિરાલી અને માનવ નામના વ્યક્તિઓ બહાર ગયા હોવાનું અને પ્રથમ માળે રહેતા સાદીયા પરિવારની પુત્રી હિતાંશી શાળાએ ગઈ હોવાનું તેમજ ભાવેશ સાદીયા નામના યુવાન ડ્રાઈવીંગના કામસર બહારગામ ગયાનું જાણવા મળ્યું હતું તેમ છતાં કાટમાળમાં કોઈ વ્યક્તિ નથી ને ? તેની કાટમાળ ખસેડી ખાતરી કરવામાં આવી રહી હતી.
કાટમાળ હટાવવા માટે સ્થળ પર ચાર જેસીબી મશીન અને એક હિટાચી મશીન લગાડવામાં આવ્યું હતું. જેનાથી હટાવાઈ રહેલો કાટમાળ અંદાજે રાત્રે બારેક વાગ્યે સંપૂર્ણપણે હટ્યો હતો અને તેની નીચેથી અન્ય કોઈ ઈજાગ્રસ્ત નહીં નીકળતા તમામ ટીમોએ હાશકારો અનુભવ્યો હતો.
સાધના કોલોનીમાં અંદાજે ૩૧ વર્ષ પહેલા બનાવવામાં આવેલા હાઉસીંગ બોર્ડના આ બિલ્ડીંગ શરૃઆતથી જ વિવાદના વમળમાં સંડોવાયેલા હતા. આ બિલ્ડીંગો જ્યારે બની રહ્યા હતા ત્યારે એક સ્લેબ તૂટી પડ્યો હતો, જે તે વખતે ‘નોબત’ દ્વારા તેનો ફોટો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે વખતે એકમાત્ર ‘નોબત’એ આ ઈમારતનું બાંધકામ લોટ, પાણી’ને લાકડા જેવું હોવાનું જણાવ્યું હતું અને તેના પગલે પૂર્વ નગરસેવક ચંદુભાઈ કાછડીયાએ તે બાંધકામો સામે તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરી હતી પરંતુ તે રજૂઆતો જે તે વખતે પણ ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને બાંધકામ પૂર્વવત રાખવામાં આવ્યું હતું અને આટોપી પણ લેવાયું હતું પરંતુ બાંધકામના મુદ્દે નારાજ થયેલા લોકોએ જે તે વખતથી જ ઈમારતમાં પોતાને મળેલા ફ્લેટના બાકી હપ્તા ચૂકવ્યા ન હતા અને ત્યારથી તેનો વકરેલો વિવાદ હજુ પણ નિર્ણિત થયો નથી.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે સાંજે સર્જાયેલી ઉપરોક્ત દુર્ઘટનાની જાણ થતાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ધસી ગયા હતા. ડે. કમિશનર ભાવેશ જાની અને અન્ય અધિકારીઓની ટીમ પણ પહોંચી હતી. એલસીબી, એસઓજી, સિટી-એ, બી, સી ડિવિઝનનો પોલીસ કાફલો એસપીની સૂચનાથી આવી પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી પોલીસે રેસ્ક્યુમાં કામગીરી કરી હતી. સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, ડે. મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારમલ, સ્થાનિક કોર્પોરેટરો, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતના આગેવાનો પણ આવી પહોંચ્યા હતા.
ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થતાં સાધના કોલોનીના મોટાભાગના બ્લોકમાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓને તંત્રવાહકોએ આગ્રહપૂર્વક નીચે ઉતાર્યા હતા. આ બનાવમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોય ભારે ગમગીની પ્રસરી છે. મૃતકોને રૃા.૪-૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૃા.પ૦-પ૦ હજાર આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બનાવની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઈજાગ્રસ્ત બે બાળકીને સરકારી યોજનામાંથી રૃા.૫૦-૫૦ હજારની સહાય મળે તે પ્રકારની મદદ કરવાનો કોલ આપી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
નવી સાધના કોલોનીમાં બનાવવામાં આવેલા ત્રણ દાયકા જૂના હાઉસીંગ બોર્ડના એક બિલ્ડીંગનો એક તરફનો હિસ્સો એટલે કે છ ફલેટ ગઈકાલે તૂટી પડ્યા છે પરંતુ બાકીના બિલ્ડીંગમાં રહેલા ૧૪૦૦ બ્લોકમાં હજુ પણ ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે આ જર્જરિત બિલ્ડીંગ અંગે તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. અગાઉ પણ હાઉસીંગ બોર્ડના આ બિલ્ડીંગોની મજબૂતાઈ વિવાદમાં રહી છે ત્યારે બાકીના બિલ્ડીંગોની પણ મજબૂતાઈ અંગે તાત્કાલિક સર્વે કરી આગામી સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે તંત્રએ આયોજન ઘડી કાઢવું જોઈએ.
કેતન નાખવાએ નગરના સેવક હોવાનો આપ્યો પરિચયઃ
દુર્ઘટના પછી એક રહેવાસીની રજૂઆતના પગલે એસપીએ કાટમાળમાંથી શોધાવી આપ્યા દાગીના
જામનગરની સાધના કોલોનીમાં ગઈકાલે ૫ડેલી ઈમારતે લોકોને ઝકઝોળી નાખ્યા છે. જૂની ઈમારતોમાં વસવાટ કરતા લોકોમાં પણ ભય પ્રસર્યાે છે ત્યારે ગઈકાલે દુર્ઘટના પછી શરૃ કરાયેલી રેસ્ક્યુ કામગીરીમાં કેટલીક બાબતો ઉડીને આંખે વળગી હતી.
કાટમાળમાંથી ઈજાગ્રસ્તોને શોધવા માટે તંત્રની ટીમની સાથે નગરસેવક કેતન નાખવા પણ જોડાઈ ગયા હતા. તેઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી ત્યારે જ આ બિલ્ડીંગમાં રહેતા અને પવનચક્કી પાસે પાનનો વ્યવસાય કરતા અમિત જોઈસર એસપી પ્રેમસુખ ડેલુ પાસે પહોંચ્યા હતા. આ વ્યક્તિએ પોતાનો પણ તેમાં ફ્લેટ હતો તેમ જણાવ્યા પછી પોતાના માતા કંચનબેન, પત્ની પારૃલબેનને ઈજા થઈ હોવાનું જણાવવા ઉપરાંત ફલેટમાં દાગીના અને કેટલાક ડોક્યુમેન્ટ પડ્યા હોવાની રજૂઆત કરતા એસપીએ જાતે જ તેની સાથે કાટમાળમાં જઈ સોનાના દાગીના અને અન્ય ઘરવખરી કઢાવી આપી હતી.
બાંધકામ વખતે જ સ્લેબ ધસી પડતાં મચ્યો હતો ઉહાપોહઃ
બિલ્ડીંગના નિર્માણ વખતે જ ‘નોબત’એ ધરી હતી લાલબત્તીઃ જનઆક્રોશ પલટાયો હતો આંદોલનમાં
જામનગરની સાધના કોલોનીમાં અંદાજે એકત્રીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલા હાઉસીંગ બોર્ડના આવાસમાં ત્રણ માળવાળા બિલ્ડીંગો તૈયાર કરાતા હતા ત્યારે એક ઈમારતનો સ્લેબ ધસી પડતા જે તે વખતે જાગૃત પ્રહરી તરીકે ‘નોબત’એ તેનો સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યાે હતો. એકમાત્ર ‘નોબત’એ તે બાબતને ઉજાગર કરતા જ લોકરોષ પ્રસરી ગયો હતો.
આ વિસ્તારના આગેવાન ચંદુભાઈ કાછડીયાએ વિવિધ સ્તરે તેની રજૂઆત પણ કરી હતી અને મામલો અદાલતમાં પણ પહોંચ્યો હતો. તે પછી તેઓને ફ્લેટ ફાળવાયા હતા તેઓએ નબળા બાંધકામના કારણે બાકીના હપ્તા પણ ભરપાઈ કર્યા ન હતા.
ઈમારતનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટરને જે તે વખતે બ્લેકલીસ્ટ પણ કરાયા હતા. ‘નોબત’ના અહેવાલના પગલે કેટલાક વ્યક્તિઓએ ભલામણનો મારો પણ ચલાવ્યો હતો પરંતુ સંચાલક સ્વ. શેખરભાઈ માધવાણીએ લોકહિતની આ વાત પ્રજા સમક્ષ રજૂ કરવામાં પીછેહઠ કરી ન હતી.


COMMENTS