યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોત થયા પછી તેને પી.એમ. પછી ગાઝીપુરમાં દફનવાશે. સુરક્ષા દળોના ચૂસ્ત બંદોબસ્ત સાથે
યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોત થયા પછી તેને પી.એમ. પછી ગાઝીપુરમાં દફનવાશે. સુરક્ષા દળોના ચૂસ્ત બંદોબસ્ત સાથે કલમ-૧૪૪ લગાવી દેવાઈ છે.
ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે ૮-રપ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. ૯ ડોક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. આજે ૩ ડોક્ટરોની પેનલ સહિત પ લોકોની ટીમ મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આ પછી મુખ્તારને રોડ માર્ગે તેના પૈતૃક ઘર ગાઝીપુર લાવવામાં આવશે. અહીં કાલી બાગ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અહીં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે મઉ અને ગાઝીપુરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરે પણ સતર્ક રહેવા સુચના આપી છે.
આ પહેલા મંગળવારે મુખ્તારની તબિયત બગડી હતી. તેમને ૧૪ કલાક હોસ્પિટલમાં દાખલ કર્યા પછી રજા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મુખ્તારના ભાઈ અફઝલે દાવો કર્યો હતો કે તેને સ્લો પોઈઝન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે મુખ્તારના પુત્ર ઉમરે પણ દાવો કર્યો હતો કે મુખ્તારને ૧૯ માર્ચે ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું. મુખ્તાર અંસારી ર૦૦પ થી સજા કાપી રહ્યો હતો. તેને અલગ-અલગ કેસમાં બે વખત આજીવન કેદની સજા થઈ હતી.
રક્ષામંત્રી રાજનાથસિંહે એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે, મુખ્તારના મોત પર લગાવવામાં આવી રહેલા આરોપો પાયાવિહોણા છે. મુખ્ખતારને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
ચૂંટણી એફીડેવીટ મુજબ મુખ્તાર અંસારી અને તેની પત્નીની સંયુક્ત રીતે લગભગ ૩.ર૩ કરોડ રૂપિયાની ખેતીની જમીન છે. આ ઉપરાંત તેમની પાસે રૂ. ૪.૯૦ કરોડની બિનખેતીની જમીન છે. માત્ર જમીન જ નહીં, પરંતુ તેમનો પરિવાર ગાઝીપુરથી લખનૌ સુધીની ઘણી કોમર્શિયલ ઈમારતો પણ ધરાવે છે, જેની કિંમત ર૦૧૭ માં ૧ર.૪પ કરોડ રૂપિયા હતી. તેની પાસે ૧.૭૦ કરોડ રૂપિયાની અનેક રહેણાંક ઈમારતો પણ છે. સંપત્તિ ઉપરાંત મુખ્તાર પર ૬.૯૧ કરોડ રૂપિયાની જવાબદારી હતી. મુખ્તાર અંસારીની ર૦૧પ-૧૬ માં કુલ આવક ૧૭.૭પ લાખ રૂપિયા હતી. આ સિવાય તેના બે આશ્રિતોની આવક ર.૭પ લાખ અને ૩.૮૩ લાખ રૂપિયા હતી.
અંસારીએ ર૦૧૭ ની યુપી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ તેમના પરિવારના ખાતાઓમાં ૧૦.૬૧ લાખ રૂપિયા જમા થયા હતાં. ૩.૪પ લાખ રોકડ ઉપરાંત વીમામાં ૧.૯૦ લાખ રૂપિયાનું રોકાણ હતું. તેમના પરિવાર પાસે કુલ ૭ર લાખ રૂપિયાનું સોનું હતું. તેમની પાસે એનપી બોરની રિવોલ્વર, શોગટન અને રાઈફલ જેવા હથિયારો હતાં જેની કુલ કિંમત રૂ. ર૭.પ૦ લાખ હતી.
COMMENTS