સુરતના પૂણા કૂંભારીયા ખાતે આવેલી ઓટો કંપનીના મેનેજર વિરુદ્વ ઉચાપત અને ચેક બાઉન્સના કેસમાં સુરતની કોર્ટે તમામ દલીલો સાંભળીને ત્રણ જણાને નિર્દોષ જાહેર
સુરતના પૂણા કૂંભારીયા ખાતે આવેલી ઓટો કંપનીના મેનેજર વિરુદ્વ ઉચાપત અને ચેક બાઉન્સના કેસમાં સુરતની કોર્ટે તમામ દલીલો સાંભળીને ત્રણ જણાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. વિદ્વાન વકીલ બિમલ સુખડવાલાએ કોર્ટમાં તર્કબદ્વ અને પદ્વિતિસરનાં પુરાવા રજૂ કરીને એક જ પરિવારના ત્રણ જણાને ન્યાય અપાવ્યો હતો.
વિગતો મુજબ ઉધના ખાતે રહેતા અને નવજીવન ઓટો સ્કવેરના ડિરેક્ટર હિતેશ ગજ્જરે ફરિયાદ આપી હતી કે અડાજણ ખાતે રહેતા અજય જોષી,મમતા જોષી અને વેદાંત જોષી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે બેંક ઓફ બરોડાનો ચેક બાઉન્સ કર્યો હતો અને કંપનીને નુકશાન પહોંચાડ્યું હતું.
આ કેસની વધુ વિગત એવી છેકે 2020 પહેલાં ત્રણ વર્ષથી અજય જોષી પુણા કુંભારીયા ખાતે આવેલી હિતેશ ગજ્જરની Daswelt Auto (ફોક્સ વેગન) ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા. જૂની ગાડીઓ ખરીદી વેચાણ કરતા હતા. મેનેજર તરીકે અજય જોષીએ ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું.બાકી નીકળતી રકમ આપવા માટે ત્રણેય કબૂલાતનામું આપ્યું હતું અને 1, 21, 53, 272નો જોઈન્ટ એકાઉન્ટનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક બાઉન્સ થયો હતો.
કોર્ટમાં દલીલે દરમિયાન હકીકત સામે આવી હતીકે ફરિયાદીનું નામ હિતેન્દ્ર ગજ્જર હતું જ્યારે તમામ કામગીરી હિતેશ ગજ્જરના નામે કરી હતી. હિતેશ ગજ્જર નામનો કોઈ વ્યક્તિ ફરિયાદી કંપનીમાં ડિરેક્ટર તરીકે હોવાના પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો ન હતો.આ ઉપરાંત ઉચાપત થઈ હોવા અંગે પણ ફરિયાદ પક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ ગયો હતો.
સુરતના 16મા એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રીતેશ અંધારીયાએ ચુકાદો આપીને ત્રણેય જણાને ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-1881ની કલમ-138 અને ફોજદારી કાર્યરિતી સંહિતા,1973ની કલમ-255(1) હેઠળ નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો, સાથે જ ત્રણેયને 10 હજારના જામીન આપવાનો પણ ચૂકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સમગ્ર કેસમાં વિદ્વાન વકીલ બિમલ સુખડવાલા અને ફોરમ બી. સુખડવાલાએ બચાવપક્ષે દલીલો કરી હતી.
COMMENTS