૬૯મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા
૬૯મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમઓયુ કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરિઝમ પૉલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં ફિલ્મફેર એવોર્ડ-૨૦૨૪નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે.
ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે, તે સંદર્ભમાં આ એમઓયુ સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્યસચિવ રાજકુમાર, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ પ્રવાસન સચિવ હારિત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર ડૉ. સૌરભ પારધિ તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વીનિત જૈન, વર્લ્ડવાઇડ મીડિયા પ્રા.લિ.ના સીઇઓ દીપક લાંબા અને હિંદી ફિલ્મના લોકપ્રિય અભિનેતા ટાઇગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. એમ ઓ યુ પર રાજ્ય સરકાર વતિ પ્રવાસન નિગમના એમ.ડી સૌરભ પારઘી અને વર્લ્ડ વાઈડ મીડિયા વતી સી.ઈ.ઓ દિપક લાંબા એ હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંનો એક છે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજ્યમાં થવાથી મોટી સંખ્યામાં હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો ગુજરાત આવશે. મુલાકાતીઓનો આ પ્રવાહ રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપશે અને લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ શકશે.
ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વાતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે તેમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સ્પષ્ટ મત દર્શાવ્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુપેરે ચરિતાર્થ કરે છે.
રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ્સના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરી શકાશે. તેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મી લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે.
આ ઈવેન્ટમાં રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરાશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નોકરીની અસંખ્ય તકોનું સર્જન કરે છે. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪નું આયોજન થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.
આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગુજરાતનું કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળો ધરાવે છે, અને ફિલ્મફેર એવોર્ડ્સ આ સ્થળોને હાઇલાઇટ કરશે, જે દેશ-વિદેશનાં પ્રવાસીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોસ્તાહિત કરશે.
ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે.
આ વિકાસકાર્યો માત્ર એવોર્ડ સેરેમની માટે જ નહિ, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક બનશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.
ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થકી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ ગુજરાત પ્રત્યે આકર્ષિત થશે અને રાજ્યની ફિલ્મિંગ પ્રવૃત્તિઓને વેગ મળશે અને સિનેમેટિક ટુરિઝમમાં ફાળો આપશે.
ગુજરાત સાથે આ ફિલ્મફેર એવોર્ડનું જોડાણ સિનેમેટિક ટુરિઝમ માટે એક શક્તિશાળી પ્રમોશનલ ટુલ એટલે કે સાધન તરીકે કામ કરશે. આ એવોર્ડ સેરેમની અને તેનું મીડિયા કવરેજ ગુજરાતની ફિલ્મ-ફ્રેંડલી નીતિઓ, ફિલ્મ નિર્માતાઓ માટે પ્રોત્સાહનો અને રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવેલા અનન્ય અનુભવોને હાઇલાઇટ કરશે.
ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લીમીટેડ વચ્ચે થયેલા એમઓયુના અવસરે ફિલ્મ નિર્માણ અને ફિલ્મ અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકારો, કસબીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
COMMENTS