ગુજરાતમાં ચોમાસું બેઠા પછી આજે પણ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ર૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૮ ઈંચથી વધુ અને સુરતમાં
ગુજરાતમાં ચોમાસું બેઠા પછી આજે પણ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ર૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૮ ઈંચથી વધુ અને સુરતમાં ધોધમાર વરસાદના વાવડ છે. દસ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. મેઘાની તોફાની બેટીંગના કારણે જલભરાવ સહિતની મુશ્કેલીઓ પણ પડી રહી છે, જો કે ખેડૂતો ખૂશખૂશાલ હોવાના અહેવાલો છે.
હવામાન વિભાગે હવે ૪ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે સવારના ૬ થી આજે સવારના ૬ વાગ્યા સુધી એટલે કે ર૪ કલાકમાં રાજ્યના ૧ર૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ર૪ કલાકમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ર૪ તાલુકામાં ર ઈંચથી લઈ ૬ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારથી બારડોલીમાં વરસાદ યથાવત્ હોવાથી અત્યાર સુધીમાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાતા ઠેર-ઠેર પાણી ભરાયા છે.
આજે સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૃ થયો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના ૧૦ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ૧૦ જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ૧૦ જિલ્લમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
છેલ્લા ર૪ કલાકમાં મહુવામાં ૧૩૯ મી.મી., વાલોડમાં ૧૩૭ મી.મી., નવસારીમાં ૧૩૦ મી.મી., ગણદેવીમાં ૧૧૧ મી.મી., જલાલપોરમાં ૧૦ર મી.મી. સુધી વરસાદ નોંધાયો છે. વરસાદની લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૃપ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.
સુરતશહેરમાં રાત્રે મેઘાએ તોફાની બેટીંગ શરૃ કરી હતી, જેથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતના મહુવામાં પ.પ ઈંચ, વાલોદમાં પ.પ ઈંચ વરસાદ સાથે નવસારીમાં પ ઈંચ, પલાસાણામાં પ ઈંચ, વરસાદ પડ્યો છે તેમજ વલસાડમાં ૪.પ ઈંચ, ગણદેવીમાં ૪.પઈંચ વરસાદ સાથે જલાલપોર, વ્યારા, પાલડીમાં ૪-૪ ઈંચ વરસાદ ખાબક્યો છે તેમજ ખેરગામ, ચીખલી, ધરમપુરમાં ૪-૪ ઈંચ વરસાદ સાથે સુરત, ડોલવણમાં મુંદ્રામાં ૩-૩ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અન્ય તાલુકાની વાત કરીએ તો ૧૪ તાલુકામાં ૪ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના ર૪ તાલુકામાં ૩ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. ૪ર તાલુકા એવા હતાં જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગામી ૪ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪ દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૃચ, સુરત અને વડોદરામાં ભારે વરાસાદની આગાહી છે. આ કારણે તંત્રો દોડતા થયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩૦ જૂને વડોદરા, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદમાં પણ આજથી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભરૃચ, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભરે વરસાદની આગાહી છે તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં વરસાદની આગાહી છે તેમજ જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે તેમજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. સાથે જ ખેડા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ર૪ કલાક પછી ચોમાસાનું જોર વધી શકે છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૩૦ જૂન સુધી સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રીની આસપાસ જ રહેશે તેમ જણાવાયું છે
COMMENTS