એક દાયકા ઉપરાંતથી અસરકારક વકીલાત કરતાં ઝકી શેખની પસંદગી થતાં સુરતના વકીલ આલમમાં હર્ષ સાથે ગૌરવની લાગણી............... બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો
એક દાયકા ઉપરાંતથી અસરકારક વકીલાત કરતાં ઝકી શેખની પસંદગી થતાં સુરતના વકીલ આલમમાં હર્ષ સાથે ગૌરવની લાગણી……………
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સુરતના સિનિયર ધારાશાસ્ત્રી ઝકી શેખની પસંદગી કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તાજેતરમાં જ ચૂંટાયેલા સદસ્યોની મળેલી બેઠકમાં તેમની નિમણૂંકને બહાલી આપવામાં આવી હતી. સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છેલ્લા એક દાયકા ઉપરાંતથી વકીલાત કરતાં ઝકી શેખની બાર કાઉન્સીલમાં નિયુક્તિને સુરતના વકીલ આલમે ઉમંગથી વધાવી લીધી છે. વકીલ આલમમાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે અને ચોમેરથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
એડવોકેટ ઝકી શેખ સુરત જિલ્લાની નવી પેઢીના વકીલોમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. જૂની પેઢીના અત્યંત પ્રભાવી ધારાશાસ્ત્રી મુખ્તયાર શેખના સૌથી મોટા પુત્ર તરીકે વકીલાતના વ્યવસાયને વારસામાં લઈને આગળ વધતા ઝકી શેખ પાસે છેલ્લા એક દાયકા ઉપરાંતનો અનુભવ છે. સુદીર્ઘ વકીલાત દરમિયાન સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં પણ તેમની સક્રિયતા રહી છે. તેમણે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં એક વખત ચૂંટણી કમિશનર તરીકે અને બે વખત સહાયક ચૂંટણી કમિશનર તરીકેની પણ જવાબદારી સંભાળી હતી.
ગુજરાત બાર કાઉન્સિલમાં કો.ઓપ્ટ મેમ્બર તરીકે તેમની નિમણૂંકની જાહેરાતને સુરત જિલ્લાના વકીલોએ ઉત્સાહથી વધાવી લીધી હતી. બાર કાઉન્સીલને લગત વકીલોના પ્રશ્નો હોય કે, બાર અને બેન્ચ વચ્ચેના મુદ્દાઓ હોય તેને રજૂ કરવા માટે સુરતને યોગ્ય સંકલનકર્તા મળ્યા હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમની નિયુક્તિની જાહેરાત સાથે જ તેમના શુભેચ્છકો અને સાથી વકીલોએ શુભેચ્છા પાઠવી હતી.
એડવોકેટ તરીકે નવી પેઢીમાં પોતાની આગવી છાપ અંકિત કરવારા ઝકી શેખએ અનેક કેસોમાં વાદીઓને ન્યાય અપાવવામાં વકીલ તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવીને અસરકારક વકીલાતનો પરિચય આપ્યો છે.એડવોકેટ પિતા મુખ્ત્યાર શેખના પગલે ચાલીને વકીલ આલમમાં તેમણે પોતાનો નોખો ચીલો પાડ્યો છે.
COMMENTS