વારાણસી જિલ્લા કોર્ટના જજ અજય કૃષ્ણ વિશ્વેશે 31 જાન્યુઆરીના રોજ હિન્દુઓને જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપતો ચુકાદો સંભળાવ્યો હતો. ત
વારાણસી જિલ્લા કોર્ટના જજ અજય કૃષ્ણ વિશ્વેશે 31 જાન્યુઆરીના રોજ હિન્દુઓને જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપતો ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં તમામ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ બેરિકેડ ખોલી દેવામાં આવ્યા હતા અને વ્યાસ ભોંયરામાં પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યા બાદ ઉત્સાહિત રાષ્ટ્રીય હિન્દુ દળ નામના સંગઠને હવે વિશ્વનાથ મંદિર રોડ પરના સાઈન બોર્ડ પર જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ જ્ઞાનવાપી મંદિરનું પોસ્ટર લગાવી દીધું હતું.
નોંધનીય છે કે બે દિવસ પહેલા જ હિન્દુ સંગઠને આ સાઈન બોર્ડ સામે વાંધો ઉઠાવતા પ્રવાસન નિર્દેશાલય અને મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો, આ પત્રમાં સાઈન બોર્ડ પરથી જ્ઞાનવાપીની સામે મસ્જિદ શબ્દ હટાવવાની વિનંતી કરવામાં આવી હતી. પરંતુ પૂજા કરવાનો અધિકાર મળ્યા બાદ ઉશ્કેરાયેલા હિન્દુ નેતાઓએ સાઈન બોર્ડ પરથી મસ્જિદ શબ્દ હટાવીને મંદિર શબ્દ ચોંટાડી દીધો હતો.
31 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે વારાણસી જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આદેશ આપ્યો હતો કે જ્ઞાનવાપી સ્થિત વ્યાસ ભોંયરાની બેરિકેડ્સ કાઢી નાખવામાં આવે અને હિન્દુઓને ત્યાં પૂજા કરવા દેવામાં આવે. જે બાદ વારાણસીની પોલીસ અને વહીવટી અધિકારીઓ વચ્ચે મીટિંગોના રાઉન્ડ શરૂ થયા હતા અને લગભગ 10:00 વાગ્યાના સમયે કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4ની અંદર ફરી એકવાર પોલીસ અને વહીવટી અધિકારીઓએ મીટિંગ કરી કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશનું પાલન બરાબર થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને ડિવિઝનલ કમિશનર ભારે ફોર્સ સાથે જ્ઞાનવાપી સંકુલમાં પહોંચ્યા હતા અને નંદીની સામેના બેરીકેટ્સ હટાવીને વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરી હતી. 31 વર્ષ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવામાં આવી છે.
જો કે મુસ્લિમ પક્ષે આ ચુકાદાને નકારતા કહ્યું હતું કે વારાણસી જિલ્લા અદાલતનો ચુકાદો ખોટો છે અને તેને હાઈ કોર્ટમાં પડકારશે.
COMMENTS