ગુજરાતની ચાર સહિત દેશભરમાં જુદાં જુદાં રાજ્યોની મળી રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૪માં
ગુજરાતની ચાર સહિત દેશભરમાં જુદાં જુદાં રાજ્યોની મળી રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૪માં ટર્મ પૂરી થાય છે એમાં ભાજપના સભ્યો એવા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા તેમજ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અમીબેન યાજ્ઞિક તથા નારાયણ રાઠવાનો સમાવેશ થાય છે. હાલ રાજ્ય વિધાનસભામાં સંખ્યાબળની સ્થિતિ જોતાં આ ચૂંટણીમાં ભાજપ તમામ ચારેય બેઠક પર કબજો જમાવશે એ નિશ્ર્ચિત છે. જ્યારે શાસક પક્ષ નવા યુવા અને કેટલાંક સામાજિક સમીકરણોને ધ્યાને લઇ નવા ચહેરા પસંદ કરે તેવી શક્યતા છે.
પંચના ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૧૫મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે અને ચકાસણી, ફોર્મ પાછા ખેંચવા વગેરેની પ્રક્રિયા બાદ જરૂર જણાય તો તા.૨૭મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. રાજ્ય વિધાનસભામાં સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો ભાજપ પાસે ૧૫૬ સભ્ય છે તો કૉંગ્રેસના બે સભ્યોના રાજીનામા પછી સંખ્યા ૧૭થી ઘટીને ૧૫ રહી છે. આપના ચારમાંથી એક સભ્યે રાજીનામું આપ્યું છે. જેડીયુના એક સભ્ય છે. ત્રણ અપક્ષ સભ્યોમાંથી એક સભ્યે રાજીનામું આપ્યું છે. આમ, કુલ સંખ્યા ૧૭૮ છે. આ સંજોગોમાં કૉંગ્રેસને એકપણ બેઠક મળે એવી કોઇ શક્યતા નથી. આમ છતાં કૉંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે તો પણ તેને જીતવા માટે ૩૭ મતની આવશ્યક્તા રહેશે. જે ભાજપ સિવાયના તમામ મત મેળવવામાં સફળ થાય તો પણ ગણિતિક દૃષ્ટિએ જીતી શકે એમ નથી. એટલે તમામ ચારેય બેઠક ભાજપના ફાળે જશે એ નિશ્ર્ચિત છે.
ભાજપ માટે હવે મક્કમ નિર્ણયો લેવા માટે સર્વાંગી અનુકૂળતાઓ હોવાથી સામાજિક સમીકરણો અને યુવા, શિક્ષિત, મહિલા પ્રતિનિધિત્વ આપવા માટે વિચારશે, તેમ કહી જાણકારો કહે છે કે, પાટીદાર સાથે દલિત, આદિવાસી, ઓબીસી ચહેરા ભાજપ પસંદ કરી શકે છે. દેશમાં વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યા પછી સૌરાષ્ટ્રનાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને અનુક્રમે રાજ્યસભાના સભ્ય બનાવી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ જ રીતે ભાવનગરમાંથી ભાવનાબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયાં હતાં. આમ, વિતેલાં સાત આઠ વર્ષમાં ભાજપે દેશના મહત્ત્વનાં રાજ્યોમાં સારી એવી પકડ જમાવી છે એવી જ રીતે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે અત્યાર સુધીની વિક્રમી બેઠકો કબજે કરી હતી. આ સંજોગોમાં ભાજપ કેટલાક નવીન નિર્ણયો લઇ શકે છે.
COMMENTS