હવે પીઆરઓ વિભાગથી ગાડું ગબડશે, નાયક સામે ખાતાકીય તપાસની માગણી, વિવાદાસ્પદ અધિકારી સામે શાસક ભાજપ અને કમિશનરની ભીંસ વધી, સબંધીઓને પાલિકામાં સેટ કર્યા
હવે પીઆરઓ વિભાગથી ગાડું ગબડશે, નાયક સામે ખાતાકીય તપાસની માગણી, વિવાદાસ્પદ અધિકારી સામે શાસક ભાજપ અને કમિશનરની ભીંસ વધી, સબંધીઓને પાલિકામાં સેટ કર્યા
બીઆરટીએસના બેફામ ડ્રાઈવરો દ્વારા સતત અકસ્માતને પગલે વિવાદમાં સપડાયેલા સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસેથી આખરે મહેકમનો પણ હવાલો છીનવીને કમિશનરે વિવાદ પર ઠંડુ પાણી રેડી દીધું છે. વર્ષોથી એક હથ્થુ શાસન ભોગવી રહેલા નાયકને કારણે પાલિકા ના લાયક અધિકારીઓમાં અન્યાયની લાગણી પ્રવર્તતી હતી. એલર્ટ ન્યૂઝમાં અહેવાલ છપાતાની સાથે જ પાલિકા કમિશનરે ત્વરિત નિર્ણય લઈને ભ્રષ્ટાચારીઓને ખાસ મેસેજ આપ્યો છે કે તે ભ્રષ્ટાચાર અથવા ગોબાચારીને ચલાવી લેવાના મુડમાં નથી.
સિટી લિંકનું સંચાલન કરવામાં નિષ્ફળ નિવડેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન 101 નિર્દોષ સુરતીઓના મોત થયા હતા. કતારગામમાં એકસાથે આઠ વ્યક્તિને અડફેટમાં લેવાયા બાદ નાયક પાસેથી ચાર્જ છીનવી લેવા ચોતરફથી દબાણ થતાં આખરે પાલિકા કમિશનરે સિટી લિંક વિભાગ આંચકી લીધુ હતું. ત્યારબાદ ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાના લાંચ કેસ બાદ એકાઉન્ટ વિભાગ પણ વિવાદમાં સપડાયું હતું. બિલ મંજુર કરવા માટે 1થી 2 ટકા સુધીની કટકી ખાતા તેજસ આરીવાલાને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી લેતાં પાલિકાનું વહીવટી તંત્ર ફિક્સમાં મુકાયું હતું. આ વિવાદને સમેટવા માટે નાયક પાસેથી બીજો વિભાગ પણ છીનવી લેવાયો હતો.
છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા મહેકમ વિભાગનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. જેમાં ભરતી અને બદલી પ્રથા પાછળ તગડી મલાઈ ખવાતી હોવાના આક્ષેપ થતાં આખરે ચોતરફથી ભેરવાયેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસેથી મહેકમ વિભાગ પણ આંચકી લેવાયો છે. હજુ પણ કમલેશ નાયક પાસે પીઆરઓ વિભાગનો હવાલો છે અને પ્રતિમા ચૌધરી સાથે મળીને મોટા ખેલ થતાં હોય તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. કોરોના કાળ દરમિયાન એક જ બિલ બે વાર રજુ કરીને ભેરવાયેલા પીઆરઓ વિભાગનો દામન પણ દાગદાર હોવાથી નાયક પર ગમે ત્યારે ગાજ પડી શકે છે.
કમલેશ નાયકના કારનામા અંગે એલર્ટ ન્યૂઝે સચોટ અને સવિસ્તાર અહેવાલ રજુ કર્યા બાદ પાલિકા કમિશનરને અક્કલની દાઢ ફુટી હતી અને બિનજરુરી વિવાદમાંથી બહાર આવવા માટે કમલેશ નાયક પાસેથી મહત્વપૂર્ણ વિભાગો આંચકી લીધા છે. હવે, કમલેશ નાયક સામે વિભાગીય તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.
સબંધીઓને પાલિકામાં સેટ કરી દીધા
મહેકમના વડા તરીકે નજીકના સબંધીઓની પણ ભરતી કરી હોવાનો નાયક પર આક્ષેપ છે. મેરિટમાં નહી હોવા છતાં સત્તાના જોરે સબંધીઓને પાલિકામાં કાયમી અથવા તો હંગામી ધોરણે નોકરી અપાવીને વ્યવસ્થિત સેટ કરી દીધા છે. સત્તાનો દુરૂપયોગ કરીને સમાજના લોકોને પાલિકામાં સેટ કરનાર નાયક સામે ખાતાકીય તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
COMMENTS