હમાસનો ખાત્મો બોલાવવાના શપથ લીધા પછી ઈઝરાયેલની સેનાએ હવે ગાઝામાં હથિયારો-ટેન્કો સાથે ઘૂસીને હમાસના સ્થળો ફરતે ઘેરો ઘાલ્યો છે, અને હવાઈ હુમલા પણ
હમાસનો ખાત્મો બોલાવવાના શપથ લીધા પછી ઈઝરાયેલની સેનાએ હવે ગાઝામાં હથિયારો-ટેન્કો સાથે ઘૂસીને હમાસના સ્થળો ફરતે ઘેરો ઘાલ્યો છે, અને હવાઈ હુમલા પણ ચાલુ છે. આજે આઠમા દિવસે આ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને ખાનાખરાબી તથા નરસંહાર વચ્ચે યુ.એન. દ્વારા ઈઝરાયેલને આ કાર્યવાહી રોકવા અપીલ કરી છે. હવાઈ હુમલામાં ગાઝા છોડી રહેલા ૭૦ જેટલા લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
પેલેસ્ટાઈનનો હિસ્સો મનાતા ગાઝા પટ્ટીનું સંચાલન કરનારા આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરાયા પછીથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં ઈઝરાયેલમાં મોટાપાયે જાનહાનિ થયા પછીથી ઈઝરાયેલે આતંકી સંગઠન હમાસનો ખાત્મો કરવાના સોગંદ લઈ લીધા છે ત્યારે હવે હુમલા પછી ઈઝરાયેલની આર્મી પણ ગાઝામાં પ્રવેશી ગઈ છે. બખ્તરિયા વાહનો અને ટેન્કો સાથે ઈઝરાયેલી આર્મીને ગાઝામાં પ્રવેશતી જોવા મળી છે. ઈઝરાયેલે પહેલા થી જ ૧૧ લાખ ગાઝાવાસીઓને બીજા સુરક્ષિત સ્થાનોએ ખસી જવા ચેતવણી આપી દીધી છે. જેની સામે ખુદ યુએનએ ચિંતા વ્યક્ત કરતા ઈઝરાયેલને આ કાર્યવાહી રોકી દેવા અપીલ કરી હતી.
બીજી બાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, અમારા ભૂમિદળ અને ટેન્કોએ શુક્રવારે ગાઝાપટ્ટીમાં ઘૂસીને કાર્યવાહી શરૃ કરી દીધી છે. આ તો ફક્ત શરૃઆત જ છે. અમે હમાસનો ખાત્મો કરીને જ રાહતના શ્વાસ લઈશું, જો કે ગાઝાના લોકોને સ્થળાંતરિત કરી જવાનું કહેવાયું હોવા છતાં લોકો હવે બીજે ક્યાંય જવા તૈયાર નથી અને તેઓ અંતિમ શ્વાસ સુધી ઈઝરાયેલનો સામનો કરવા તૈયારી બતાવી રહ્યા છે. તેઓએ તેને મનોવૈજ્ઞાનિક યુદ્ધ ગણાવ્યું છે.
હમાસે એક પ્રેસ રિલીઝ જારી કરીને દાવો કર્યો છે કે, ગાઝા સિટીમાંથી ભાગી રહેલા ઓછામાં ઓછા ૭૦ લોકો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલી એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે, જો કે આ અંગે ઈઝરાયેલ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી, કોઈ પ્રતિભાવ આવ્યો નથી. દરમિયાન પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે પશ્ચિમ કાંઠે ૧૬ પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી છે.
ગાઝામાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. ઈઝરાયેલે ગાઝા સરહદ પર ચારે બાજુથી નાકાબંધી કરી દીધી છે. ઈઝરાયેલ કહે છે કે જ્યાં સુધી તેના બંધક નાગરિકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તે ગાઝાની વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરશે. તે જ સમયે ગાઝા પટ્ટી નજીક રહેતા લોકોના જીવ જોખમમાં છે. અહીં યુએન રિલીફ એન્ડ વર્ક એજન્સી સ્થાનિક લોકોને એક કેમ્પમાં રાખી રહી છે અને તેમને ભોજન આપી રહી છે, જો કે આ એજન્સી પાસે ખોરાક અને પાણી ખૂબ જ ઓછું બચ્યું છે. આવી સ્થિતિમાં ગાઝા પટ્ટીમાં માંડ ૧ર દિવસનો પુરવઠો હોવાનું કહેવાય છે.
સીએનએનના અહેવાલ અનુસાર જોર્ડનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ક્રોસિંગની ઈજિપ્તની બાજુ ખુલ્લી છે, પરંતુ ઈઝરાયેલના હુમલા પછી પેલેસ્ટાઈનની બાજુ કામ નથી થઈ રહી. તેમણે કહ્યું કે, જોર્ડન અને ઈજિપ્ત ઈઝરાયેલ તરફથી સુરક્ષા મંજુરીની રાહ જોઈ રહ્યા છે. જેથી હવાઈ હુમલાના ડર વિના ગાઝામાં સહાય ટ્રક મોકલી શકાય. ઈજિપ્તના વિદેશ મંત્રાલયે ગુરુવારે ક્રોસીંગ બંધ થવાના સમાચારને નકારી કાઢ્યા હતાં અને કહ્યું હતું કે, ઈઝરાયેલના બોમ્બમારાથી પેલેસ્ટિનિયન વિભાગને નુક્સાન થયું છે.

ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ભારત સરકારના ઓપરેશન અજય અંતર્ગત ઈઝરાયેલના તેલ અવીવથી ભારતીયોની બીજી ફ્લાઈટ આજે સવારે દિલ્હી પહોંચી છે. શુક્રવારે મોડી રાત્રે ફ્લાઈટ ર૩પ લોકો સાથે રવાના થઈ હતી. ભારત વિદેશ મંત્રી એસ. જયશંકરે ફ્લાઈટમાં સવાર થતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઈઝરાયેલમાં ફસાયેલા ૪૪૭ લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. શુક્રવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ર૧ર લોકો દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.
દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલના હુમલામાં સમાચાર એજન્સી રોઈટર્સના એક વીડિયોગ્રાફરનું મોત થયું છે. તેનું નામ ઈસમ અબ્દુલ્લા જણાવવામાં આવ્યું છે. રોઈટર્સે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઈસમ તેની ટીમ સાથે સાઉથ લેબનોનથી લાઈવ વીડિયો સિગ્નલ મોકલી રહ્યો હતો.
આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એ જ ટીમના બે પત્રકારો તાહેર અલ સુદાની અને મેહર નાજેહ સહિત છ વધુ પત્રકારો ઘાયલ થયા હતાં. હમાસે શુક્રવારે તેલ અવીવ પર લગભગ રપ૦ રોકેટ ઝીંક્યા હતાં. આ પછી કેટલાક બોમ્બ વિસ્ફોટ પણ થયા. ખતરો જોઈને ઈઝરાયેલની સેનાએ સાયરન વગાડી એલર્ટ કર્યું જેથી લોકો સુરક્ષિત જગ્યાએ જઈ શકે. આ દરમિયાન ગોળીબારનો અવાજ અવારનવાર આવતો રહ્યો હતો.
મધ્ય ઈઝરાયેલના રેહોવોત વિસ્તારના કેટલાક ઘરો રોકેટ હુમલાનો ભોગ બન્યા હતાં, જો કે કોઈ નાગરિકને નુક્સાન થયું હોવાના અહેવાલ નથી. ઈઝરાયેલની સેનાએ એક નવું એમ્બ્યુલન્સ નેટવર્ક તૈયાર કર્યું છે, જેમાં સામાન્ય નાગરિકો અને સૈનિકો માટે અલગ-અલગ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.
લાખો લોકોનું પલાયન
ઈઝરાયેલની સેનાએ ગાઝા સિટીમાં રહેતા લગભગ ૧૦ લાખ લોકોને ત્યાંથી નીકળી જવા માટે શુક્રવારે આદેશ આપ્યા હતાં. આ નિર્દેશ પછી આ વિસ્તારમાં ઈઝરાયેલ તરફથી જમીની કાર્યવાહી કરવાની આશંકા પ્રબળ બની છે. ઈઝરાયેલના આ આદેશ પછી ગાઝાના રસ્તા પર ભાગદોડ મચી ગઈ હતી. સૌ પોતાના ખાનગી વાહન અને અન્ય વાહનથી શહેરમાંથી ભાગતા જોવા મળ્યા હતાં. રસ્તા પર ગાડીઓમાં ગાદલા અને સામાન પેક કરીને ગાઝામાંથી લોકો પરિવાર સાથે શહેર છોડી નીકળવા લાગ્યા છે. અમુક એવી પણ તસ્વીરો જોવા મળી છે જેમાં મોટા ટ્રક અને કેન્ટર પર ચડીને લોકો ભાગતા દેખાઈ રહ્યા છે.
હમાસ આતંકી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈઝરાયેલને ભારે નુક્સાન પહોંચ્યું હતું. હવે ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહી પછી ગાઝાની ધરતી મિસાઈલો અને બોમ્બ ગોળાથી ધ્રુજી રહી છે. ઈઝરાયેલ દ્વારા ઉત્તરી ગાઝા ખાલી કરવાના અલ્ટીમેટમ પછી એવી આશંકા છે કે આગળ જતા હુમલો હવે વધારે ઝડપી બનશે.


COMMENTS