પંચાયતોની ચૂંટણી પછી પ. બંગાળ ભડકે બળી રહ્યું છે અને ઠેર-ઠેર હિંસાના બનાવો બની રહ્યા છે, પરિણામોમાં તૃણમુલ અવ્વલ છે, જ્યારે ભાજપે પણ રેકોર્ડબ્રેક બેઠ
પંચાયતોની ચૂંટણી પછી પ. બંગાળ ભડકે બળી રહ્યું છે અને ઠેર-ઠેર હિંસાના બનાવો બની રહ્યા છે, પરિણામોમાં તૃણમુલ અવ્વલ છે, જ્યારે ભાજપે પણ રેકોર્ડબ્રેક બેઠકો મેળવી છે. ચૂંટણી હિંસામાં કુલ ૪૪ ના જીવ ગયા હોવાના અહેવાલ છે.
પંચાયત ચૂંટણીની જાહેરાત થતાં જ પ. બંગાળમાં રાજકીય હિંસા શરૃ થઈ ગઈ છે. આ દોર મતદાન દરમ્યાન પણ ચાલુ છે અને ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ચાલુ રહેશે. હજુ પણ મત ગણતરી પૂર્ણ થઈ નથી. દક્ષિણ ર૪ પરગણામાં બુધવારે સવારે થયેલી હિંસામાં બે લોકોના મોત થયા હતાં અને એક આઈપીએસ અધિકારી ઘાયલ થયા હતાં. ૮ જૂનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત થયા છે. ચૂંટણીના દિવસે જ ૧૮ લોકો માર્યા ગયા હતાં. પ. બંગાળમાં સતત હિંસક ઘટનાઓ બની રહી છે, અને આગજની પણ થઈ રહી છે.
મતગણતરી દરમિયાન આઈએસએફનો એક ઉમેદવાર એક બુથ પર આગળ ચાલી રહ્યો હતો, પરંતુ મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં તે હારી ગયો હતો. આ પછી હંગામો થયો અને હિંસા શરૃ થઈ. ગત્ રાત્રિથી જ અહીં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હકીકતમાં શનિવારે (૮ જુલાઈ) ૭૪ હજાર પંચાયતો માટે મતદાન થયું હતું. આ દરમિયાન ઘણી હિંસા થઈ હતી અને મતદાન મથકો પર મારામારી, બૂથ લૂંટફાટ અને આગચંપી જેવી ઘટનાઓ સામે આવી હતી. આ પછી સવારે ૭ થી સાંજે પ વાગ્યા સુધી ૧૯ જિલ્લાના બૂથ પર ફરીથી મતદાન થયું. આ દરમિયાન રાજ્ય પોલીસ ઉપરાંત દરેક બૂથ પર ચાર કેન્દ્રિય દળના જવાનો હાજર હતાં.
ચૂંટણી દરમિયાન હિંસાના સૌથી વધુ કેસ મશિંદાબાદ, કૂચ બિહાર, ઉત્તર અને દક્ષિણ ર૪ પરગણામાં નોંધાયા હતાં. કૂચ બિહારમાં, ટીએમસી કાર્યકરોએ મતપેટીઓ તોડી, તેના પર પાણી રેડ્યું અને આગ લગાવી. ઉત્તર દિનાજપુરમાં ઘણી જગ્યાએ બેલેટ પેપર અને ચૂંટણી સંબંધિત સામગ્રી સળગાવી દેવામાં આવી હતી. દક્ષિણ દિનાજપુરમાં પણ મતપેટીમાં પાણી નાખવામાં આવ્યું હતું. હિંસામાં ઘણાં લોકોના મોત પણ થયા હતાં અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં.
વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ચૂંટણી હિંસા માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે, બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણી પંચે મમતા બેનર્જી સાથે મળીને ચૂંટણીનો નાશ કર્યો છે. ભાજપ બંગાળમાં લોકશાહીની પૂનઃસ્થાપના ઈચ્છે છે.
તે જ સમયે ટીએમસી એ વીડિયો ટ્વિટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો, તેમણે કહ્યું હતું કે, કૂચબિહારના હલ્દીબારી બ્લોકની દીવાનગંજ ગ્રામ પંચાયતમાં બંગાળ ભાજપના સમર્થકોએ બૂથ પર કબજો કર્યો અને મતપેટી ફેંકી દીધી. ભાજપે લોકોના અધિકારો પર હુમલો કર્યો.
કોંગ્રેસ પાર્ટીએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે, શાસકપક્ષ ટીએમસીએ આતંકનો વરસાદ શરૃ કરી દીધો છે. જેમાં ઘણાં લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. બંગાળમાં પંચાયત ચૂંટણી એક મજાક છે અને હકીકતમાં આ ચૂંટણી લૂંટનું ઉદાહરણ છે.
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના પરિણામો પણ સામે આવી રહ્યા છે. રાજ્યમાં સત્તારૃઢ તૃણમુલ કોંગ્રેસ આગળ છે. આ સાથે જ બીજેપી બીજા સ્થાને આવી ગઈ છે. બન્ને પક્ષો વચ્ચે અંતર પહોળું છે, પરંતુ ભગવા પક્ષે તેના દેખાવમાં સુધારો કર્યો છે. ભાજપે ર૦૧૮ માં પ૭૭૯ બેઠકોના રેકોર્ડને પાછળ છોડીને ૮ર૦૦ થી વધુ બેઠકો જીતી છે. રપ ટકા સીટોના પરિણામ હજુ જાહેર થવાના બાકી છે.
પ. બંગાળમાં પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમુલ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતી જોવા મળી રહી છે. બે વર્ષ પહેલા તૃણમુલ સતત ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રાત્રે ૧૧-૩૦ વાગ્યા સુધી જાહેર કરાયેલા પરિણામો અનુસાર પ. બંગાળમાં સત્તારૃઢ તૃણમુલ કોંગ્રેસે ત્રણ-સ્તરની પંચાયત ચૂંટણીમાં ૩૦,૩૯૧ બેઠકો જીતીને ૧,૭૬૭ બેઠકો પર આગળ રહી છે. તે જ સમયે, તૃણમુલ કોંગ્રેસની નજીકની હરિફ ભારતીય જનતા પાર્ટીએ ૮,ર૩૯ બેઠકો જીતી છે જ્યારે તે ૪૪૭ બેઠકો પર આગળ છે. રાજ્યમાં કુલ ૬૩,ર૯૯ ગ્રામ પંચાયત બેઠકો માટે મતદાન થયું છે.
જાહેર થયેલા પરિણામો અનુસાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટએ ર,પ૩૪ બેઠકો જીતી છે. કોંગ્રેસે ર,૧પ૮ બેઠકો જીતી છે અને તેના ઉમેદવારો ૧પ૧ અન્ય બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસે ર,૬૧ર પંચાયત સમિતિ બેઠકો જીતી છે અને ૬ર૭ અન્ય બેઠકો પર આગળ છે. ભાજપે પંચાયત સમિતિમાં અત્યાર સુધીમાં ર૭પ બેઠકો જીતી છે, જયારે તે ૧૪૯ બેઠકો આગળ છે. સીએફઆઈ(એમ) એ ૬૩ બેઠકો જીતી છે અને અન્ય પ૩ બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસે પ૦ બેઠકો જીતી છે. રાજ્યમાં ૯,૭ર૮ પંચાયત સમિતિની બેઠકો માટે મતદાન થયું હતું. તૃણમૂલ કોંગ્રેસે અત્યાર સુધી જાહેર કરેલી તમામ ૮૮ જિલ્લા પરિષદ બેઠકો જીતી લીધી છે અને અન્ય ૧૬૩ બેઠકો પર આગળ છે, જ્યારે સીપીઆઈ(એમ) ચાર બેઠકો પર આગળ છે. કોંગ્રેસ બે અને ભાજપ ૧૩ બેઠકો પર આગળ છે. રાજ્યમાં કુલ ૯ર૮ જિલ્લા પરિષદની બેઠકો છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે પંચાયત ચૂંટણીમાં ટીએમસીની શાનદાર જીત બદલ બંગાળના લોકોનો આભાર માન્યો હતો. બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું, ‘હું લોકોનો તૃણમુલ કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ, લાગણી અને સમર્થન માટે આભાર માનું છું. આ ચૂંટણએ સાબિત કર્યું છે કે, રાજ્યના લોકોના હૃદયમાં માત્ર ટીએમસી જ વસે છે.’ ભાજપે રાજ્યમાં શાસક પક્ષ પર ‘મત લૂંટવાનો અને વિરોધીઓના કાઉન્ટીંગ એજન્ટોને મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશતા અટકાવવાનો આરોપ મૂક્યો.’ વિરોધ પક્ષના નેતા એસેમ્બલી શુભેન્દુ અધિકારીએ કહ્યું, ‘તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના કાઉન્ટીંગ એજન્ટોને કાઉન્ટીંગ સેન્ટરમાં પ્રવેશતા અટકાવીને લોકોનો અધિકાર છીનવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાઉન્ટીંગ એજન્ટોને કેન્દ્રોમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે અને બોમ્બ ધડાકાની ધમકી આપવામાં આવી રહી છે.’
COMMENTS