અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ લોકો માટે
અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ લોકો માટે ખુલી મૂકી હતી. લોકો 10મી જુલાઈથી સાબરમતીનદીમાં તરતી આ ક્રુઝ રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનરની મજા માણી શકાશે. આ ક્રુઝ રેસ્ટોરન્ટને ‘અક્ષર રિવર ક્રૂઝ’ નામ આપવામાં આવ્યું છે. જેનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને સોંપવામાં આવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ. સાથે PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજે અમદાવાદીઓને અક્ષર રિવર ક્રૂઝની ભેટ મળી છે જેને લઈ હું શહેરીજનોને અભિનંદન પાઠવું છું. હું આજે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરી રહ્યો છું. મને પણ આ રિવર ક્રૂઝ ઉપર પરિવાર સાથે ભોજનની મજા માણવાની ખૂબ જ ઈચ્છા છે. જ્યારે પણ અમદાવાદ આવીશ ત્યારે ચોક્કસ આ રિવર ક્રૂઝ ઉપર પરિવાર સાથે ડીનર લઈશ.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ‘જે લોકો વર્ષોથી અમદાવાદમાં રહે છે તેમને ખબર હશે જ કે, જ્યાં સુધી રિવરફ્રન્ટ બન્યો ન હતો ત્યાં સુધી લોકોએ સાબરમતી નદી જોઇ જ ન હતી. ત્યાં પહેલા મોટો ખાડો હતો અને ગંદા પાણીના ખાબોચિયા હતા. આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે રિવરફ્રન્ટનું સપનું જોયું હતુ. ધીરે ધીરે આ સપનું આકાર પામ્યું છે.’
મળતી માહિતી મુજબ રીવર ક્રુઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં લંચ માટે પ્રતિવ્યક્તિ રૂ.1800 અને ડિનર માટે પ્રતિવ્યક્તિ રૂ.2000 ચુકવવા પડશે. જેના માટે https://aksharrivercruise.com/ જઈને એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ રિવર ક્રૂઝમાં સાબરમતી રિવરફ્રન્ટમાં અટલબ્રિજ ફૂટ બ્રીજથી દધિચીબ્રિજ સુધી ચક્કર લગાવશે.
રીવર ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ભોજન લઇ શકે છે. ક્રૂઝની નીચેનો ભાગ કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. જયારે ઉપારનો ભાગ ખુલ્લો છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. એક રેસ્ટોરન્ટમાં મળતી તમામ સુવિધાઓ અહી મળી રહેશે. રૂ.15 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે. ઈમરજન્સી દરમિયાન લોકોની સલામતી માટે 180 લાઈફ સેફ્ટી જેકેટ ઉપરાંત 12 તરાપા પણ ક્રુઝ પર રાખવામાં આવ્યા છે.
COMMENTS