આઈસીસી દ્વારા ૪૬ દિવસના વન-ડે વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર કરાયું છે. તે મુજબ ભારત-પાક વચ્ચે ૧પ મી ઓક્ટો.થી મેચ તથા પ્રારંભિક તેમજ ફાઈનલ મેચો પણ અમદાવાદ
આઈસીસી દ્વારા ૪૬ દિવસના વન-ડે વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર કરાયું છે. તે મુજબ ભારત-પાક વચ્ચે ૧પ મી ઓક્ટો.થી મેચ તથા પ્રારંભિક તેમજ ફાઈનલ મેચો પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે, તેમ જાણવા મળે છે.
વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસીએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતકરી હતી. આ ઈવેન્ટમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પહોંચ્યા હતાં.
૪૬ દિવસીય ક્રિકેટ મહાકુભની શરૃઆત પ ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ મેચ સાથે થશે, જ્યારે ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે, તેમજ એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન ૧પ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
આ ટુર્નામેન્ટ ૪૬ દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત ૪૮ મેચો રમાશે. ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટુર્નામેન્ટનું આયોજનકરી ચૂક્યુંછે.
આ વખતે વર્લ્ડ કપમાં ૧૦ ટીમો ભાગ લેશે. યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ર૦ર૩ ઓડીઆઈ વર્લ્ડ કપ માટે સીધા ક્વોલીફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વોલીફાયર રાઉન્ડમાંથી આવશે.
પ્રથમ ઓડીઆઈ વર્લ્ડ કપ વર્ષ ૧૯૭પ માં રમાયો હતો. ૭ જૂન ૧૯૭પ ના પ્રથમ ઓડીઆઈ વર્લ્ડ કપ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. લોર્ડસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડ ભારતને ર૦ર રનથી હરાવ્યું હતું. પ્રથમ વર્લ્ડ કપ ફાઈનલ ર૧ જૂન ૧૯૭પ ના લોર્ડસ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. વર્ષ ૧૯૮૩ સુધી ઓડીઆઈ વર્લ્ડ કપ ૬૦-૬૦ ઓવરનો હતો. ૧૯૮૭ થી ટુર્નામેન્ટ પ૦-પ૦ ઓવરની શરૃ થઈ.
ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે જેણે પ વખત વર્લ્ડ કપ જીત્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ર-ર વખત ચેમ્પિયન બન્યા છે. ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાને ૧-૧ વખત ટાઈટલ જીત્યું હતું. ભારતે ૧૯૮૩ અને ર૦૧૧ માં ટ્રોફી જીતી હતી.
અત્રે ઉલ્લેખનય છે કે, બીસીસીઆઈ અને આઈસીસી એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાને ચેન્નઈમાં યોજાનારી અફઘાનિસ્તાન સાથેની મેચ શિફ્ટ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા પણ ઈચ્છતું ન હતું, પરંતુ આ બે મેદાનમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે રમવું પડશે.
આ પહેલા ગઈકાલે આઈસીસી મેન્સ વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરવામાં આવ્યું હતું. ટ્રોફીને જમીનથી ૧,ર૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવમાં આવી હતી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ટ્રોફી ટુરના લોન્ચિંગ પ્રસંગે આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટુર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્ત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટુર ભારતમાં આજથી શરૃ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે ત્યારપછી ૪ સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લાવવામાં આવશે.
વર્લ્ડકપઃ ભારતની મેચનો કાર્યક્રમ
- તારીખ સ્પર્ધક ટીમો સ્થળ
- ૮ ઓક્ટોબર ભારત અને ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ
- ૧૧ ઓક્ટોબર ભારત અને અફઘાનિસ્તાન દિલ્હી
- ૧૫ ઓક્ટોબર ભારત અને પાકિસ્તાન અમદાવાદ
- ૧૯ ઓક્ટોબર ભારત અને બાંગ્લાદેશ પૂણે
- ૨૨ ઓક્ટોબર ભારત અને ન્યૂઝિલેન્ડ ધર્મશાલા
- ૨૯ ઓક્ટોબર ભારત અને ઈંગ્લેન્ડ લખનૌ
- ૦૨ નવેમ્બર ભારત અને ક્વોલિફાયર-૨ મુંબઈ
- ૦૫ નવેમ્બર ભારત અને સાઉથ આફ્રિકા કોલકાતા
- ૧૧ નવેમ્બર ભારત અને ક્વોલિફાયર-૧ બેંગલુરુ


COMMENTS