અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન ફ્લાયઓવર પર ગત મોડી રાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતને લઈને સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત માટે
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન ફ્લાયઓવર પર ગત મોડી રાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતને લઈને સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત માટે જવાબદાર તમામ લોકો પર દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને પોલીસે જેગુઆર ગાડીના ચાલક તથ્ય પટેલ, તેના બિલ્ડર પિતા પ્રજ્ઞેશ, ગાડીમાં સવાર 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.
ગત મોડી રાત્રે બનેલા બનાવ બાદ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતો ઇસ્કોન બ્રિજ પરનો એક તરફનો રોડ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. રાતે 2 વાગ્યાથી ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી રોડ બંધ રાખવામાં આવ્યો હતો. IPS સફિન હસન અને લવીના સિન્હા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે તેમના વતન મોકવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય જાહેર કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. ત્યારે મૃતકોના પરિવારજનોએ ઋષિકેશ પટેલને કહ્યું હતું કે અમારે પૈસાની જરૂર નથી. અમે સરકારને 8 લાખ આપીએ. અમને ન્યાય જોઈએ છે.
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરોપી તથ્ય અને તેના પિતાને કાયદાનું ભાન થાય એવી કડક કાર્યવાહી કરીશું. ડોક્ટર પરવાનગી આપશે એટલે તથ્યની ધરપકડ થશે. યુવક મોજશોખ માટે કાર લઈને નીકળ્યો હતો. જાહેર રોડ રેસિંગ ટ્રેક હોય એમ પુરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ સમગ્ર મામલે પોલીસ કમિશનર, જેસીપી, 3 ડીસીપી અને RTO અધિકારી સહિતના સભ્યો દ્વારા કમિટી બનાવી તપાસ કરવામાં આવશે.
COMMENTS